અમેરિકા મોકલતા એજન્ટો હવે પોલીસની નજરમાં આવતા એજન્ટો ભૂગર્ભમાં ઉતર્યા

મૃત્યુ પામનારા પરિવારની કેનેડામાં લેવાયેલી તસવીર.
કેનેડાની બોર્ડરથી અમેરિકામાં ગેરકાયદે એન્ટ્રી લેવા જતાં ચાર ગુજરાતી સહિત આઠ લોકોના મોત થયા છે. આમ તો આ ઘટના બુધવારે રાત્રે ઘટી હતી પરંતુ આજે વહેલી સવારે એટલે કે રવિવારની વહેલી સવારે સમાચાર કન્ફર્મ થયા હતા કે કેનેડા અને અમેરિકાની બોર્ડર પર માર્યા ગયેલા લોકો ગુજરાતના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના માણેકપુરા ડાભલા ગામના હતા. આ સમાચાર આવતાની સાથે જ પોલીસે કેતુલ પટેલ નામના એજન્ટની શોધખોળ હાથ ધરી છે તો બીજી તરફ આ જ પ્રકારે ગેરકાયદે અમેરિકા અથવા તો બીજા દેશમાં એન્ટ્રી કરાવતા આવા કબુતરબાજ એજન્ટોની પોલીસે છશોધ ખોળ શરૂ કરી છે.
માણેકપુરા ડાભલા કેસમાં 4થી 5 એજન્ટની સક્રિય ભૂમિકા
મહેસાણા પોલીસના સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર કેનેડામાં જે પ્રકારે આ લોકો છેલ્લા બે મહિનાથી રહેતા હતા અને તેમને ત્યાં સુધી પહોંચાડવામાં ચારથી પાંચ એજન્ટ ની ભૂમિકા સક્રિય રહી છે અને હવે ભૂગર્ભમાં ઉતરી ગયેલા આ લોકોની હાલ શોધખોળ શરૂ કરવામાં આવી છે. કારણ કે અગાઉ જ્યારે ડીંગુચા કેસમાં પોલીસને આવા કબુતરબાજ એજન્ટોની એક આખી ચેઈન મળી હતી. હવે ક્યાંક એ જ ચેઇન ન ફરીય સક્રિય થઈ છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. આ એજન્ટો ડીંગુચા કેસ બાદ થોડા સતર્ક થયા હતા અને નવા નવા લોકોની શોધખોળ આદરી હતી કે કોણ ગેરકાયદે અમેરિકા જવા માંગે છે. એક અંદાજ મુજબ આ એજન્ટો વ્યક્તિ દીઠ 50 થી લઈને 80 લાખ રૂપિયા સુધી અમેરિકામાં ગેરકાયદે એન્ટ્રી કરાવવાના પૈસા લેતા હોય છે અને આખો ધંધો એ પ્રકારે ચાલતો હોય છે કે અમેરિકામાં એન્ટ્રી થાય ત્યાં સુધી તેમને 50% જેટલી રકમ આપવાની હોય છે અને એક વખત અમેરિકા પહોંચે ત્યારબાદ તેમને બાકીની રકમ આપવાની હોય છે.
લાખો કરોડો સામે માનવ જીવની કિંમત કોડીની
આટલા લાખો કરોડો ખર્ચ્યા બાદ પણ માનવ જીવની કોઈ કિંમત રહેતી નથી જ્યારે આવા જોખમી ભર્યા રસ્તાઓથી આ એજન્ટ તેઓને અમેરિકામાં ગેરકાયદે એન્ટ્રી કરાવતા હોય છે. અનેક વાર આ પ્રકારની ઘટના બની હોવા છતાં પણ હજુ પણ ગેરકાયદે રીતે અમેરિકામાં એન્ટ્રી લેવાની ઘેલછા ઉત્તર ગુજરાતમાં રહેતા કેટલાક ગુજરાતીઓમાં ઓછી થતી નથી.
2 મહિના પહેલાં ગયો હતો પરિવાર
પ્રવીણ ચૌધરીના મૃત્યુ બાદ તેમના ભાઈ જસુ ચૌધરીએ જણાવ્યું કે, મારો ભાઈ વિઝિટર વીઝા પર પરિવાર સાથે કેનેડા ગયો હતો. તેઓ 60 દિવસ પહેલાં જ મહેસાણાથી કેનેડા ગયા હતા. ગઈકાલે સમાચાર મળ્યા બાદ મારા ભાઈનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.