દેશ હાલમાં કોરોના સામે જંગ લડી રહ્યો છે. એવામાં કોરોના સામેની લડાઈમાં વેક્સિન મહત્વપૂર્ણ હથિયાર છે. દેશમાં આજે પીએમ મોદીના જન્મ દિવસ પર વેક્સિનેશનનો નવો રેકોર્ડ નોંધાયો છે. આજે દેશમાં 2 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. જો કે હજુ આ આંકજો વધી શકે છે. દરેક રાજ્યમાં હજુ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. વેક્સિનેશન અભિયાનમાં મહત્વપૂર્ણ રોલ નિભાવનાર કો-વિન પ્લેટ ફોર્મ પર આ માહિતી સામે આવી છે.
કો-વિન અનુસાર અત્યાર સુધીનાં સવારથી લઈને સાંદના 5 વાગ્યા સુધીમાં 2 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. આવુ પ્રથમ વખત બન્યુ છે જ્યારે દેશમાં 2 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી હોય. સરકારી સૂત્રોનું કહેવુ છે કે, સરકાર ઓક્ટોબરના મધ્ય સુધીમાં એક અરબ ડોઝ આશા રાખી રહ્યું છે. તેમા પહેલો અને બીજો બન્ને ડોઝ સામેલ છે.
તમને જણાવી દઈએ કે, બપોરે 01.40 વાગ્યા સુધીમાં 1 કરોડનો આંકડો પાર થઈ ગયો છે, જ્યારે 1.5 કરોડ સુધી પહોંચવામાં માત્ર 100 મિનિટનો સમય લાગ્યો હતો. ત્યાર બાદ ચાર વાગ્યાની આસપાસ આ આંકડો પોણા બે કરોડને પાર કરી ગયો હતો. એવુ માનવામાં આવે છે કે આજે અંદાજે અઢી કરોડ લોકોને રસી અપાઈ શકે છે. આજે દેશમાં અંદાજે 1 લાખ સાઈટ પર રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે.
રાજ્યમાં મહત્તમ રસીકરણના ઉદ્દેશ સાથે આજે વેક્સિનેશન મેગા ડ્રાઈવ યોજાઈ છે. 14 હજારથી વધુ બૂથ પર નાગરિકો વેક્સિન લઇ રહ્યા છે. રાજ્ય સરકારની આ ઝુંબેશને નાગરિકોએ અદમ્ય ઉત્સાહથી સારો પ્રતિસાદ આપ્યો છે. આજે બપોર સુધીમાં 10 લાખથી વધારે લોકોએ વેક્સિન લીધી છે. મુખ્ય સચિવ પંકજકુમાર વેક્સિનેશન મેગા ડ્રાઈવના અસરકારક અમલીકરણ માટે સતત પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. હજુ વધુ ને વધુ લોકો વેક્સિનેશન માટે આગળ આવે એ માટે અંગે સમગ્ર વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રના સૌ કર્મયોગીઓ પ્રયત્નશીલ છે.