ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયન પીએમ એન્થની એલ્બેનીઝ રહ્યા હાજર, ચોથી ટેસ્ટ પહેલા બંને દેશના ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો
અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આજે ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચ જોવા માટે પીએમ મોદી પોતાના ઓસ્ટ્રેલિયન સમકક્ષ એન્થોની અલ્બેનીઝ સાથે ક્રિકેટ મેચ જોવા પહોંચ્યા છે. મેચ પહેલા પીએમ મોદી અને એન્થોની અલ્બેનીઝ ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને મળ્યા હતા.
પીએમ મોદી અને એન્થોની અલ્બેનિસે ખાસ રથમાં સવાર થઈને સ્ટેડિયમની મુલાકાત લીધી હતી.પીએમ મોદીની સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ મેચ જોવા આવ્યા હતા. આ દરમિયાન BCCI પ્રમુખ રોજર બિન્ની અને BCCI સેક્રેટરી જય શાહે તેમનું સ્વાગત કર્યું હતું.
ટોસ જીત્યા બાદ સ્ટેડિયમમાં રાષ્ટ્રગીત શરૂ થયું, બંને દેશના નેતાઓએ ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા અને એકબીજાનો પરિચય મેળવ્યો. કેપ્ટન રોહિત શર્માએ પીએમ નરેન્દ્ર મોદીનો ખેલાડીઓ સાથે પરિચય કરાવ્યો.બંને પીએમ ફ્રેન્ડશીપ હોલ ઓફ ફેમ ગયા જ્યાં રવિ શાસ્ત્રીએ તેમનું સ્વાગત કર્યું અને હોલ ઓફ ફેમ અને ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ઈતિહાસ વિશે માહિતી આપી. પીએમ મોદીએ રોહિત શર્માને ટેસ્ટ કેપ અને કેપ્ટન સ્ટીવ સ્મિથને એન્થોની અલ્બેનીઝ આપી હતી.
બંને વડાપ્રધાનો મેદાન પર પહોંચ્યા અને ગોલ્ફ કાર્ટમાં મેદાનનો એક રાઉન્ડ લીધો અને દર્શકોનું અભિવાદન સ્વીકાર્યું. પીએમ મોદીએ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ બંને નેતાઓ સ્ટેડિયમની અંદર ગયા હતા.