ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 19 રને આપ્યો પરાજય, ઓસ્ટ્રેલિયા 156/6, સાઉથ આફ્રિકા 137/6, બેથ મુની પ્લેયર ઓફ ધ મેચ, એશ્લે ગાર્ડનર પ્લેયર ઓફ ધ વર્લ્ડ કપ
કેપટાઉનઃ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે ફરી એકવાર ICC મહિલા T20 વર્લ્ડ કપમાં પોતાનો દબદબો સાબિત કરી દીધો છે. T20 વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાનો દક્ષિણ આફ્રિકા સાથે મુકાબલો થયો હતો જ્યાં તેણે 19 રનથી મેચ જીતી હતી અને છઠ્ઠી વખત ટ્રોફી જીતી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ સાતમી વખત ફાઇનલમાં પહોંચી છે. ટૂર્નામેન્ટના છેલ્લા 13 વર્ષમાં આ બીજી વખત છે જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમે તેની હેટ્રિક પૂરી કરી છે.
ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ 2018, 2020 અને હવે 2023માં સતત ચેમ્પિયન બની છે. આ પહેલા તેણે 2010, 2012 અને 2014માં પણ સતત ત્રણ વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ 2016માં T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પણ પહોંચી હતી, જ્યાં તેનો સામનો વેસ્ટ ઇન્ડિઝ સાથે થયો હતો પરંતુ આ ફાઇનલમાં તેનો 8 વિકેટથી પરાજય થયો હતો. 2016 T20 વર્લ્ડ કપ ભારતમાં રમાયો હતો.
આવી સ્થિતિમાં જો ઓસ્ટ્રેલિયન ટીમ 2016ના T20 વર્લ્ડ કપની ફાઇનલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ન હાર્યું હોત તો કદાચ તે સતત સાતમી વખત ચેમ્પિયન ટીમ બની ગઈ હોત. ત્યાર બાદ ટીમે જબરદસ્ત વાપસી કરી છે અને સતત ત્રીજી વખત જીત મેળવી છે.
ઓસ્ટ્રેલિયાની જીતમાં બેથ મૂની ચમકી
ટી-20 વર્લ્ડ કપમાં વિનિંગ સિક્સર ફટકારવામાં ઓસ્ટ્રેલિયાની બેથ મૂનીનું યોગદાન ઘણું મહત્વનું હતું. ફાઈનલ મેચમાં તેણે પોતાની ટીમ માટે 74 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 54 બોલનો સામનો કર્યો જેમાં તેણે 9 ફોર અને 1 સિક્સર પણ ફટકારી. મૂનીના આ શાનદાર પ્રદર્શનને કારણે ઓસ્ટ્રેલિયન ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 156 રન સુધી પહોંચાડવામાં સફળ રહી હતી. જો મૂનીએ ટીમ માટે અડધી સદીની ઈનિંગ્સ ન રમી હોત તો ઓસ્ટ્રેલિયન બોલરો માટે ટાર્ગેટનો બચાવ કરવો ખૂબ જ મુશ્કેલ હોત.
ઓસ્ટ્રેલિયાએ આપેલા 157 રનના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમે પણ ભરપૂર પ્રયાસ કર્યો હતો પરંતુ 20 ઓવરમાં 137 રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયાના બોલરોએ તબાહી મચાવી હતી
ટૂર્નામેન્ટમાં દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ જે લયમાં રમી રહ્યા હતા તે લયને સમાવવા માટે કોઈપણ બોલિંગ આક્રમણ માટે એક મોટો પડકાર હતો, પરંતુ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના તમામ બોલરોએ શાનદાર રમત રમી હતી. જો કે મેગન શટ, એશ્લે ગાર્ડનર, ડાર્સી બ્રાઉન અને જેસ જોનાસેનને મેચમાં સફળતા મળી, પરંતુ ટીમના કોઈપણ બોલર 25 રનથી વધુ ખર્ચ કરી શક્યા નહીં. સુકાની મેગ લેનિંગની આ ચતુરાઈના કારણે તેણે બોલરોનો ઘણી સમજદારીથી ઉપયોગ કર્યો, જેના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ ચેમ્પિયન બની.