એમસીડી મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર શેલી ઓબેરોય દિલ્હીના મેયર તરીકે ચૂંટાઈ આવ્યા, AAPના ડેપ્યુટી મેયરના પદ પર ઉમેદવાર અલે મોહમ્મદ ઈકબાલનો વિજય થયો છે.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન મેયરની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ ડેપ્યુટી મેયરના પદ પર જીત મેળવી છે. ડેપ્યુટી મેયર પદની ચૂંટણીમાં AAPના ઉમેદવાર અલે મોહમ્મદ ઈકબાલનો વિજય થયો છે. અલે ઈકબાલને 147 વોટ મળ્યા હતા. જ્યારે ભાજપના કમલ બંગડીને 116 મત મળ્યા હતા. આ પહેલા દિલ્હીને નવા મેયર મળ્યા હતા. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણી સિવિક સેન્ટર ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર શેલી ઓબેરોય દિલ્હીના મેયર તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
નોંધપાત્ર વાત એ છે કે, આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણને કારણે ત્રણ વખત બોલાવવામાં આવેલી એમસીડી હાઉસની બેઠક સ્થગિત કરવામાં આવી હતી. આ પછી AAPના મેયર પદના ઉમેદવાર શેલી ઓબેરોયે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી કરાવવાની અપીલ કરી હતી. તેણે એલ્ડરમેનના મતદાન અધિકારને પણ પડકાર્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું હતું કે એલ્ડરમેનને મત આપવાનો અધિકાર નથી તેથી તે મેયરની ચૂંટણીની પ્રક્રિયાથી દૂર રહેશે. લાંબી રાહ જોયા બાદ દિલ્હીને શેલી ઓબેરોયના રૂપમાં નવો મેયર મળ્યો છે.
MCDની ચૂંટણી 4 ડિસેમ્બરે યોજાઈ હતી
તમને જણાવી દઈએ કે દિલ્હીમાં નગર નિગમની ચૂંટણી 4 ડિસેમ્બરે યોજાઈ હતી અને પરિણામ 7 ડિસેમ્બરે આવ્યા હતા, જેમાં આમ આદમી પાર્ટીએ 250માંથી સૌથી વધુ 134 બેઠકો જીતી હતી. આ પછી પણ બે મહિનાથી વધુ સમય વીતી જવા છતાં મેયરની ચૂંટણી થઈ શકી નથી. MCD હાઉસમાં યોજાયેલી ત્રણ બેઠકોમાં AAP અને BJPના કાઉન્સિલરો વચ્ચેના હોબાળાને કારણે દિલ્હીને નવા મેયર મળી શક્યા નથી. આજે દિલ્હીને શેલી ઓબેરોયના રૂપમાં નવો મેયર મળ્યો છે.