ભારત, જાપાન, વિયેતનામ, તાઈવાન અને ફિલિપાઇન્સની ચીને જાસૂસી કરી

America Chinese Balloon, F22 fighter jet Shot down Balloon, china Spy Balloon South Carolina,

અમેરિકન મીડિયામાં છપાયેલા અહેવાલ મુજબ, જો બાયડન સરકારે ઘણા દેશોને જાણ કરી છે કે ચીન બલૂન દ્વારા તેમની પણ જાસૂસી કરી રહ્યું છે. શનિવારે કેલિફોર્નિયાના દરિયાકાંઠે એક મિસાઈલ દ્વારા બલૂનને તોડી પાડવામાં આવ્યા બાદ આ માહિતી આપવામાં આવી છે. અમેરિકાએ બલૂનના અવશેષો પણ શોધી કાઢ્યા છે.

વોશિંગ્ટન પોસ્ટ અખબારે અહેવાલ આપ્યો છે કે સોમવારે અમેરિકી ઉપ વિદેશ મંત્રી વેન્ડી શેરમેને 40 દેશોના દૂતાવાસ અધિકારીઓને આ બલૂન વિશે માહિતી આપી હતી અને દાવો કર્યો હતો કે ભારત સહિત ઘણાં દેશોમાં ચીને આ પ્રકારી જાસૂસી કરી છે.

ચીની એરફોર્સ સમગ્ર કાર્યવાહી પર કરે છે કામ
વોશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, “સર્વિલન્સ બલૂન ચીનના દક્ષિણ કિનારે આવેલા હનયાન પ્રાંતમાંથી કેટલાંક વર્ષોથી કાર્યરત હતું. આ બલૂનમાં ચીન માટે વ્યૂહાત્મક મહત્વ ધરાવતા દેશોની સૈન્ય ક્ષમતાઓ વિશે માહિતી એકત્રિત કરવામાં આવી હતી. દેશોમાં ભારત, જાપાન, વિયેતનામ, તાઈવાન ફિલિપાઇન્સ અને અન્ય દેશોનો સમાવેશ થાય છે.

વોશિંગ્ટન પોસ્ટે અનેક અધિકારીઓ અને સંરક્ષણ અને જાસૂસી નિષ્ણાતો સાથેની વાતચીતના આધારે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ અધિકારીઓએ જણાવ્યું કે ચીની વાયુસેના આ બલૂનનું સંચાલન કરે છે અને તેઓ પાંચ ખંડોમાં આ કામગીરી કરતા હોય તેવું જાણવા મળ્યું છે. એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારીને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે, “આ બલૂન PRC (પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના) ના કાફલાનો ભાગ છે જે જાસૂસી મિશન માટે બનાવાયેલ છે અને તેણે ઘણા દેશોની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કર્યું છે.”

અખબારના મતે અમેરિકામાં તાજેતરના વર્ષોમાં ઓછામાં ઓછા ચાર બલૂન જોવા મળ્યા છે. અગાઉ આ બલૂન હવાઈ, ફ્લોરિડા, ટેક્સાસ અને ગુઆમમાં જોવા મળ્યા હતા. ગયા અઠવાડિયે પાંચમી વખત આ પ્રકારનો બલૂન અમેરિકાના આકાશમાં દેખાયો હતો. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા ત્યારે પ્રથમ ચારમાં ત્રણ વખત આ ઘટનાઓ બની હતી. જો કે, તેઓ તાજેતરમાં ચીની જાસૂસી સાધનો તરીકે ઓળખાયા છે.

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, “અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે અમે શક્ય તેટલી વધુ માહિતી એવા દેશો સાથે શેર કરીએ કે જેઓ આ પ્રકારના અભિયાનનો શંકાસ્પદ ભોગ બની શકે છે.” જો કે વિશ્લેષકો હજુ સુધી એ કહી શક્યા નથી કે ચીનના બલૂન કાફલામાં કેટલી સંખ્યા છે, પરંતુ અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે 2018થી અત્યાર સુધી આવા ડઝનબંધ મિશન મોકલવામાં આવ્યા છે.


તાજેતરમાં, ચીની લશ્કરી સંશોધકોએ બલૂન અને એરશીપનો ઉપયોગ વધારવાની હિમાયત કરી હતી. આવા સંશોધન પત્રો સાર્વજનિક રૂપે ઉપલબ્ધ છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે ચીને ફુગ્ગાઓનો ઉપયોગ વધારવો જોઈએ અને તેને અલગ-અલગ જગ્યાએ તૈનાત કરવો જોઈએ. વોશિંગ્ટન પોસ્ટે લખ્યું છે કે આ સૈન્ય કાર્યવાહીમાં ખાનગી કંપની દ્વારા વિકસિત ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ખાનગી કંપની ચીનની સૈન્ય વ્યવસ્થાનો ભાગ છે.

ગત સપ્તાહે અમેરિકાના આકાશમાં ચાઈનીઝ બલૂન જોવા મળ્યા બાદ રાજદ્વારી અને સૈન્ય સ્તરે વિવાદ ઉભો થયો હતો. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને તો તેમની ચીનની મુલાકાત પણ રદ્દ કરી દીધી હતી, જ્યારે બંને દેશો આ મુલાકાતથી સારા સંબંધોની અપેક્ષા રાખી રહ્યા હતા.

ચીનનું કહેવું છે કે તે એક વેધર-બલૂન હતો જે પોતાનો રસ્તો ગુમાવીને યુએસ એરસ્પેસમાં ગયો હતો. અમેરિકા દાવો કરી રહ્યું છે કે તે વેધર બલૂન નહીં પરંતુ એરશીપ હતી જે જાસૂસી કરી રહી હતી અને તેના પર ચીનની સેનાનું નિયંત્રણ હતું.