આનંદીબેનના વિશ્વાસુ ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યાં, ગુજરાત વિધાનસભામાં સૌથી મોટા અંતરથી જીત્યા, 2017માં સૌથી વધુ મતથી ઘાટલોડિયાથી જીત્યા
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
ગુજરાતમાં પાટિદાર જ મુખ્યમંત્રી હોવો જોઇએ અને આખરે ભાજપ હાઇકમાન્ડે ભૂપેન્દ્ર પટેલ પર મુખ્યમંત્રી તરીકેનો કળશ ઢોળ્યો છે. વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામાં બાદ આજે નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલા કોર કમિટીની બેઠક પૂરી થઈ ગઈ છે.
હવે ધારાસભ્ય દળની બેઠકમાં રાજ્યના નવા મુખ્ય મંત્રીનું નામ જાહેર કરાયું હતું. વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યું ત્યારથી દરેક લોકોના મનમાં એક જ સવાલ હતો કે, ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે? આ ઉપરાંત નવા મંત્રી મંડળમાં કયા કયા નેતાઓને સ્થાન આપવામાં આવશે તેને લઈને પણ વિવિધ અટકળો થઈ રહી હતી. રવિવારે બપોરના સમયે કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાર્યકારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમડ સી.આર. પાટીલ કમલમ ખાતે પહોંચ્યા હતા અને ભાજપના કોર ગ્રુપની બેઠક યોજાઈ હતી. ત્યાર બાદ ધારાસભ્ય દળની બેઠકમાં પુરૂષોત્તમ રૂપાલાએ સંબોધન કર્યું હતું.
ભાજપ હાઈકમાન્ડે ફરી ચોંકાવ્યા
ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલનું મુખ્યમંત્રી તરીકેનું નામ જાહેર કરીને ભાજપ હાઈકમાન્ડે ફરી એકવાર બધાને ચોંકાવ્યા છે. ધારાસભ્ય દળની બેઠકમાં ભુપેન્દ્ર પટેલના નામની દરખાસ્ત કરવામાં આવી હતી. ભુપેન્દ્ર પટેલ એ જ બેઠક પરથી ધારાસભ્ય છે જે પહેલા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ધારાસભ્ય હતા. ભુપેન્દ્ર પટેલને તેમની નજીક માનવામાં આવે છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભુપેન્દ્ર પટેલના નામની દરખાસ્ત કરી હતી. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી હતી.