અમેરિકામાં ઘૂસવા માગતા મોટાભાગના ગુજરાતીઓ મહેસાણા, ગાંધીનગર અને ચરોતરના નાગરિકો

અમેરિકા જતા ઘણું ગુજરાતીઓ મોતને ભેટતા હોય છે પરંતુ જગત જમાદાર સમાન દેશ અમેરિકામાં જઈને વસવાનું સપનું તેઓ ક્યારેય ભૂલતા પણ નથી અને છોડતા પણ નથી. આથી જ મેક્સિકો યુએસ બોર્ડર પર ટાઈટલ 42 ના સમાપન બાદ એ અહેવાલ પ્રમાણે દોઢ થી બે હજાર ગુજરાતીઓ મેક્સિકો યુએસ બોર્ડર પર પહોંચી ચૂક્યા છે અને અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવાની ફિરાકમાં જોવા મળે છે. આ તરફ એક એવો વિડિયો સામે આવે છે જેમાં નવ ગુજરાતીઓનું ટોળું યુએસ મેક્સિકો બોર્ડર પર ઝડપાઈ જાય છે અને જ્યારે પોલીસ તેમને સવાલો કરે છે ત્યારે તેઓ પોતાને કોંગ્રેસ પાર્ટીના વર્કર હોવાનું કહે છે. જોકે આ વાર્તાલાપ દરમિયાન બોર્ડર પેટ્રોલ પોલીસ સ્પષ્ટપણે કહે છે કે તેઓ ખોટા એજન્ટને પૈસા આપીને આટલે સુધી પહોંચ્યા છે કારણ કે એક અંદાજ પ્રમાણે ટાઈટલ ના પૂર્ણ થયા બાદ અમેરિકામાં આઇસલમ મેળવવું આસાન બનવાનું છે. પરંતુ આ ગ્રુપ હાલતો પોલિસ દ્વારા પકડાઈ ગયું છે.

ટાઈટલ 42 પૂર્ણ, હવે આઈસલમ હેઠળ રહેવાની ફિરાકમાં ગુજરાતીઓ
ગુજરાત પોલીસના સૂત્રોનું માનીએ તો હાલ હજારો ગુજરાતીઓ મેક્સિકો બોર્ડર પર તંબૂ બાંધીને અમેરિકામાં ઘૂસવાની તકની રાહમાં બેસી રહ્યા છે, જેમાંથી ઘણા લોકો તો પોતાના આખા પરિવાર સાથે જ મેક્સિકો બોર્ડર પર પહોંચ્યા છે. આ તરફ આઇસલમ મેળવવા માટે ઘણા ગુજરાતી us મેક્સિકો બોર્ડર પાસે એકત્ર થયા છે જે તક મળતાં જ અમેરિકામાં ઘુષણખોરી કરશે અને શરણાગતિ સ્વીકારશે.

ઉત્તર ગુજરાત અને ચરોતરના વતનીઓ વધુ
મેક્સિકો બોર્ડર પરનો જે વીડિયો વાઇરલ થયો છે એમાં મોટાભાગના ઉત્તાર ગુજરાત અને ચરોતરના વતનીઓ છે. જેમાં મહેસાણા, ગાંધીનગર વિજાપુર અને માણસા તથા આણંદ ખેડા જિલ્લાના લોકો સામેલ છે.

શરણાગતિ બાદ શરૂ થાય છે અસલી ખેલ
મેક્સિકો બોર્ડર પરથી ઘુષખોરી કર્યા બાદ એજન્ટનો અસલી ખેલ શરુ થાય છે. જે લોકો બોર્ડર પોલિસે પકડ્યા છે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. આવા લોકોને એજન્ટો બોન્ડ ભરીને છોડાવી લે છે, અને પછી તેમણે શરણાગતિ માટે અપીલ કરી હોવાનું ડોક્યુમેન્ટ પણ કોર્ટમાંથી મળી જાય છે, અને કેસ પર કોઈ ફેસલો ના આવે ત્યાં સુધી આવા લોકો અમેરિકામાં રહે છે. જૉકે તક મળતાં આ લોકો ઘણીવાર અમેરિકામાં ગાયબ પણ થઈ જાય છે.

શું છે ટાઈટલ 42 ?
અમેરિકામાં કોરોના દરમિયાન માઇગ્રન્ટ્સના પ્રવેશ પર પ્રતિબંધ મૂકનાર ટાઇટલ 42 આજે સમાપ્ત થઈ ગયું છે. આ અંતર્ગત અમેરિકી સરકારે ઘણા વિદેશીઓને તેમના દેશમાં પાછા મોકલી દીધા હતા. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, શીર્ષક 42 સમાપ્ત થવા છતાં, સરહદો બંધ રાખવામાં આવી છે. સ્થળાંતર કેન્દ્રો પર સ્થળાંતર કરનારાઓના ટોળા એકઠા થયા છે.

મેક્સિકો બોર્ડરથી અમેરિકા જનારાઓમાં ભારતીયો પણ સામેલ છે
છેલ્લા 11 વર્ષમાં અમેરિકામાં ભારતીય ઈમિગ્રન્ટ્સની સંખ્યામાં દોઢ ગણો વધારો થયો છે. અમેરિકા લાંબા સમયથી ભારતીયો માટે સૌથી પસંદગીનો દેશ છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકો અહીં સુધી પહોંચવા માટે ખોટો રસ્તો અપનાવવા લાગ્યા છે.

એક રિપોર્ટ અનુસાર, 2012 થી 2022 વચ્ચે મેક્સિકો મારફતે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશનારા ભારતીય ઈમિગ્રન્ટ્સની સંખ્યામાં 100 ગણો વધારો થયો છે.

2012 માં, યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પેટ્રોલે 642 કેસ નોંધ્યા હતા જેમાં ભારતીય ઇમિગ્રન્ટ્સે મેક્સિકો મારફતે ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે વર્ષ 2022માં આ સંખ્યા વધીને 63,927 થઈ ગઈ છે.