ભારતથી અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસવાના પ્રયાસમાં લિજેન્ડ એરલાઇન્સની આખી ફ્લાઇટ ફ્રાન્સમાં પકડાઈ ગઈ ત્યારે ભારે હોબાળો મચી ગયો અને 96 ગુજરાતીઓ સાથેની 276 મુસાફરો ભરેલી ફ્લાઇટ મુંબઈ પરત ફરી અને હાલમાં તેની તપાસ ચાલુ છે અને એજન્ટ સહિત એજન્સીમાં તપાસ દરમિયાન મોટા ખુલાસા થઈ રહયા છે ત્યારે ભારતમાંથી દુબઈ ગયેલા અને ત્યાંથી નિકરાગુઆ પહોંચવા માંગતા વધુ 600 જેટલા ભારતીયો આગલી ફ્લાઇટની રાહ જોઈ રહયા હોવાની વાત ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં કહેવામાં આવી છે.
કથિત રીતે આ વર્ષે મધ્ય અમેરિકન રાષ્ટ્ર જવા માટે આવી ત્રીજી ફ્લાઇટ હતી અને લગભગ 600 ભારતીયો આવી જ ફ્લાઈટ્સ પકડવા માટે દુબઈમાં રાહ જોઈ રહ્યા છે.
મહત્વનું છે કે લિજેન્ડ એરલાઇન્સની ફ્લાઇટ તા.22 ડિસેમ્બરે દુબઈથી નિકરાગુઆ જવા રવાના થઈ હતી બાદમાં ફ્રાન્સમાં આ ફ્લાઈટ પકડાઈ જતા 276 મુસાફરોને ભારત મોકલી દેવામાં આવ્યા છે.
દુબઈમાં ફ્લાઈટ્સના બીજો રૂટ પકડવા માટે વધુ ભારતીયો રાહ જોઈ રહ્યા છે,પરંતુ લિજેન્ડ એરલાઇન્સની ફ્લાઇટ ફ્રાન્સમાં પકડાઈ જતા એજન્ટોની મોડન્સ ઓપરેન્ડીનો પર્દાફાશ થઈ જતા અને હવે આ રીતે ગેરકાયદે અમેરિકામાં જવાનું ખુલ્લુ પડી જતા એજન્ટોએ તેમને દુબઈથી ભારત પાછા ફરવાનું કહ્યું છે. હાલ અંદાજે 600 ઈમિગ્રન્ટ્સ દુબઈમાં હોવાનું કહેવાય છે.
ફ્રાન્સમાં ફ્લાઇટ પકડાઈ જતા હવે આ જ ફોર્મ્યુલાનું પુનરાવર્તન કરી શકાતું નથી તેથી જ્યાં સુધી એજન્ટો કંઈક નવો અન્ય આઈડિયા ન લાવે ત્યાં સુધી આ યુવાનોને પાછા ફરવાનું કહેવામાં આવ્યું છે.

એજન્ટ ભારતમાંથી અમેરિકામાં જવા માંગતા લોકો પાસેથી લાખ્ખો રૂપિયા વસૂલી તેઓને પહેલા દુબઈ પહોંચાડે છે જ્યાંથી નિકારાગુઆ એરપોર્ટ ઉતરે છે અહીંથી અમેરિકા અથવા કેનેડા પહોંચવાનું આસાન બની જાય છે.
નિકરાગુઆમાં ટ્રાવેલ ડોક્યુમેન્ટસ બનાવવા સરળ છે તેથી ગેરકાયદે અમેરિકામાં ઘુસવા માંગતા લોકો માટે આ દેશ બેસ્ટ ઓપશન બની રહે છે. અહીં વ્યક્તિ દીઠ માત્ર 150થી 200 ડોલરની ફી લઈને વિઝા આપવામાં આવે છે.
નિકારાગુઆ પહોંચ્યા પછી લોકોને હોડીમાં બેસાડીને હોન્ડુરસ પાર કરાવી દેવાય છે. અહીંથી લોકો 12થી 16 કલાકની બસની મુસાફરી કરીને ગ્વાટેમાલાની બોર્ડર પર પહોંચે છે.આ પછી મેક્સિકો પહોંચે છે જ્યાં અમેરિકાની બોર્ડર પડે છે.
અમેરિકા અને મેક્સિકોને અલગ કરતી 3,140 કિમીની સરહદ પર ફેન્સિંગ છે, જે સ્થળાંતર કરનારાઓએ પાર કરવી પડતી હોય છે જે યેનકેન રીતે પાર કરે છે,ક્યારેક પકડાય છે પણ બધું નશીબના જોરે રિસ્કી કામ કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાના કસ્ટમ અને બોર્ડર પ્રોટેક્શન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ઓક્ટોબર 2022 અને સપ્ટેમ્બર 2023ના સમયગાળા દરમિયાન 96,917 ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસતા પકડાઈ ગયા છે,જેમાંથી મોટાભાગના ગુજરાત અને પંજાબના હોવાનું સામે આવ્યું હતું. પકડાયેલા લોકોમાંથી 30 હજારથી વધુ કેનેડાની બોર્ડરેથી અને 41 હજારથી વધુ લોકો મેક્સિકોની સરહદેથી પ્રવેશવાનો પ્રયાસ કરતા ઝડપાયા હતા.
આ પહેલા વર્ષ 2020-21માં આ આંકડો 30,662 હતો, જ્યારે વર્ષ 2021-22માં એ આંકડો 63,927 હતો.
આમ, ભારતમાંથી અમેરિકા, કેનેડા જતા લોકોની સંખ્યામાં ખુબજ વધારો જોવા મળી રહ્યો છે તેના કારણમાં લોકો એવું કહેતા નજરે પડે છે કે ત્યાં કલાકમાં ડોલરમાં પૈસા મળે છે અને વિકસિત દેશમાં ફેસિલિટી વધુ હોય છે આ દેશોમાં ઓછા વર્ષોમાં કરોડપતિ બની શકાય છે જ્યારે અહીં મહિને મિનિમમ સેલેરીમાં પૂરું પડતું નથી બચત થતી નથી બીજા કોઈ ઓપશન નથી નોકરીમાં પણ અનામત ધોરણે હોય મોટાભાગના યુવાનો એવું માને છે કે વિદેશમાં ખૂબ જલ્દી પૈસા અને કેરિયર બની શકે છે પરિણામે વિદેશ જવાનો ક્રેઝ અનેકગણો વધી ગયો છે.