ગુજરાતમાં જાન્યુઆરી-2024માં 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના યોજાવાની છે તે પૂર્વે વિવિધ ઉદ્યોગ જૂથો સાથે વધુ 47 MoU થયા છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં એક જ દિવસમાં રૂ. 1.56 લાખ કરોડના સંભવિત રોકાણ સાથે 47 MoU થતાં 7.59 લાખ સંભવિત રોજગારનું સર્જન થશે.
એન્જિનિયરિંગ, ઓટો ઇન્ડસ્ટ્રીઝ, મિનરલ આધારિત પ્રોજેક્ટ્સ, ઔદ્યોગિક પાર્ક, ટેક્ષટાઈલ્સ અને એપરલ, શિક્ષણ, આરોગ્ય તેમજ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ સહિતના વિવિધ ક્ષેત્રના ઉદ્યોગો માટે MoU થયાં.
વિવિધ ઉદ્યોગ રોકાણકારોએ રાજ્ય સરકાર સાથે એક જ દિવસમાં રૂ. 1.56 લાખ કરોડથી વધુના સંભવિત રોકાણ માટે MoU કર્યા છે, તેની સાથે જ આ રોકાણથી ગુજરાતમાં આશરે 7.59 લાખથી વધુ રોજગાર ઉભા થશે.

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમજ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં થયેલા આ એમ.ઓ.યુ. અંતર્ગત ઉદ્યોગો પોતાના એકમો સંભવતઃ 2023 થી 2028 વચ્ચે કાર્યરત કરશે. કચ્છ, ભરૂચ, ખેડા, અમદાવાદ, મહેસાણા, અમરેલી, વડોદરા, સુરત, પંચમહાલ, સાણંદ, ગાંધીનગર, ડાંગ, નવસારી અને રાજકોટ સહિતના વિવિધ જિલ્લાઓના વિસ્તારોમાં આ ઉદ્યોગો શરૂ થશે. એમ.ઓ.યુ. હસ્તાક્ષર પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર સહિત વરિષ્ઠ સચિવો તથા ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ તકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું હતું કે ગુજરાતના ઔદ્યોગિક વિકાસના સંદર્ભમાં આજનો દિવસ ખૂબ મહત્ત્વપૂર્ણ રહ્યો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી જાન્યુઆરી-2024 માં વાઈબ્રન્ટ સમિટની 10મી એડિશન યોજાવાની છે, તેના પૂર્વે આજે વિવિધ ઉદ્યોગ જૂથો સાથે ગુજરાત સરકારે વધુ 47 MoU કર્યા છે. જે હેઠળ, રાજ્યમાં રૂ. 1.56 લાખ કરોડથી વધુના સંભવિત રોકાણ થશે અને અંદાજે 7.59 લાખથી વધુ રોજગાર સર્જનની સંભાવના ઉભી થશે. એન્જિનિયરિંગ, ઓટો ઇન્ડસ્ટ્રીઝ, મિનરલ આધારિત પ્રોજેક્ટ્સ, ઔદ્યોગિક પાર્ક, ટેક્ષટાઈલ્સ અને એપરલ, શિક્ષણ, આરોગ્ય તેમજ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ સહિતના વિવિધ ક્ષેત્રમાં થયેલા આ MoU રાજ્યમાં ઔદ્યોગિક તેજીને વધુ વેગવાન બનાવશે.