અમદાવાદમાં કોરોનાથી એક 82 વર્ષના વૃદ્ધાના મોત બાદ રાજ્યનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે વાત એમ છે કે દેશમાં JN1 કોવિડના કુલ 109 દર્દી નોંધાયા છે તે પૈકી સૌથી વધારે કેસ ગુજરાતમાં હોવાની વાત સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે ,કારણકે સમગ્ર દેશમાં ગુજરાતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે,વિગતો મુજબ ગુજરાતમાં JN1ના કુલ 36 કેસ નોંધાયા છે.

વિગતો મુજબ દેશમાં 26મી ડિસેમ્બર સુધીમાં કુલ 109 JN.1 કોવિડ વેરિયન્ટના કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ ગુજરાતમાં 36, કર્ણાટકમાં 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, રાજસ્થાનમાં 4, તામિલનાડુમાં 4 અને તેલંગાણામાં 2 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં નોંધાયેલા કેસ સમગ્ર દેશમાં સૌથી વધારે હોવાનું સામે આવતા રાજ્યનું આરોગ્ય વિભાગ હવે એલર્ટ થઈ ગયુ છે કારણ કે JN.1 સબ-વેરિયન્ટ અન્ય કોરોનાના અન્ય વેરિયન્ટ્સ કરતાં ખૂબજ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે જે મજબૂત રોગપ્રતિકારક શક્તિ ધરાવતા અને રસી લીધી હોય તેવાલોકોને પણ સરળતાથી ચેપ લગાડી રહ્યો છે પરિણામે કોઈ ઢીલ કે બેદરકારી મોંઘી પડી શકે છે તેમાંય હાલ ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટના કારણે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કોરોનાના કેસોમાં ભારે ઉછાળો આવે એવી શકયતા વ્યક્ત થઈ રહી છે.
જાન્યુઆરીના ત્રણ સપ્તાહ સુધી વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહીછે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, આજે બુધવારે 27 ડિસેમ્બરે ભારતમાં એક જ દિવસમાં કોરોનાના 529 નવા કેસ નોંધાયા હતા, જેમાં કુલ સક્રિય કેસની સંખ્યા વધીને 4093 થઈ ગઈ છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, કોરોનાનું નવો JN.1 વેરિયન્ટ અત્યારસુધીમાં 41 દેશોમાં ફેલાઈ ગયો છે. ફ્રાન્સ, અમેરિકા, બ્રિટન, સિંગાપોર, કેનેડા અને સ્વીડનમાં JN.1ના કેસ સૌથી વધુ છે. ભારતમાં નવા વેરિયન્ટના 109 કેસ છે જેમાં સૌથી વધુ 36 ગુજરાતમાં જોવા મળ્યા છે.WHOએ સાવચેતીના ભાગરૂપે એક એડવાઈઝરી જાહેર કરી છે. આમાં લોકોને ભીડભાડવાળા અથવા પ્રદૂષિત વિસ્તારોમાં માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત જરૂરી અંતર જાળવવા પણ કહેવામાં આવ્યું છે.કેન્દ્ર સરકારે રાજ્યોને પોતાની એડવાઈઝરીમાં કહ્યું છે કે તમામ જિલ્લાઓએ કોવિડ ટેસ્ટ કરાવવો જોઈએ. જીનોમ સિક્વન્સિંગ માટે પોઝિટિવ સેમ્પલ લેબમાં મોકલવાના નિર્દેશ આપ્યા છે.60 વર્ષ અને એથી વધુ ઉંમરના તમામ વૃદ્ધો, કિડની, હૃદય, લિવર જેવા રોગોથી પીડિત લોકો, સગર્ભા સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓને બહાર જતી વખતે ફરજિયાતપણે માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.