32 વર્ષીય મોહમ્મદ રહેમતુલ્લા સૈયદ અહેમદ તમિલનાડુનો રહેવાસી હતો
સિડનીઃ ઓસ્ટ્રેલિયાના સિડની રેલવે સ્ટેશન પર એક ભારતીય નાગરિકની પોલીસે ગોળી મારીને હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નોંધનીય છે કે મૃતક પર સિડની રેલ્વે સ્ટેશન પર એક ક્લીનરને કથિત રીતે છુરાબાજી અને ધમકાવવાનો આરોપ હતો, જેના પછી પોલીસે મંગળવારે આ કાર્યવાહી કરી હતી.
મૃતકની ઓળખ તમિલનાડુના રહેવાસી મોહમ્મદ રહેમતુલ્લા સૈયદ અહેમદ (32) તરીકે થઈ છે, જે બ્રિજિંગ વિઝા પર ઓસ્ટ્રેલિયામાં રહેતો હતો. મામલો ઘણો ગંભીર છે અને વિદેશમાં ભારતીય નાગરિકની હત્યાના કારણે ભારત સરકારે પણ આ મામલે સંજ્ઞાન લીધું છે.
મળતી માહિતી અનુસાર, ભારતીય વાણિજ્ય દૂતાવાસે પોલીસ દ્વારા માર્યા ગયેલા વ્યક્તિના મૃત્યુને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. કોન્સ્યુલેટે કહ્યું, “અમે ઔપચારિક રીતે ફોરેન અફેર્સ એન્ડ ટ્રેડ ઓફિસ, ન્યૂ સાઉથ વેલ્સ, તેમજ રાજ્ય પોલીસ સત્તાવાળાઓ સાથે આ મામલો ઉઠાવ્યો છે.
શૂટ કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો
સિડની મોર્નિંગ હેરાલ્ડ અખબાર અનુસાર, અહેમદે કથિત રીતે 28 વર્ષીય ક્લીનર પર હુમલો કર્યો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અહેમદે પોલીસ સાથે પાંચ વખત વાતચીત કરી હતી, જેમાં કોઈ પરિણામ મળ્યું નથી. મીડિયા સાથે વાત કરતા, ન્યૂ સાઉથ વેલ્સ પોલીસના આસિસ્ટન્ટ કમિશનર સ્ટુઅર્ટ સ્મિથે જણાવ્યું હતું કે અધિકારીઓ પાસે ઝડપથી કાર્યવાહી કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો, તેથી અહેમદને ગોળી મારી દેવામાં આવી હતી.
અધિકારીએ કહ્યું, “હું આ અધિકારીઓને સંપૂર્ણ સમર્થન આપું છું. જો કે, ગોળી વાગ્યા બાદ અહેમદને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.” .