7-11 સ્ટોરના આણંદના વતની પ્રેયસ પટેલને અજાણ્યા શખ્સોએ ગોળી મારી, ઘટનામાં બીજા એક કર્મચારીની પણ હત્યા
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
હજુ થોડા દિવસ પહેલા જ અમેરિકાના ન્યૂ જર્સીમાં ગુજરાતી જ્વેલરી શો રૂમમાં લૂંટ મચાવાઇ હતી ત્યાં હવે ન્યૂ પોર્ટ ખાતે 7-11 સ્ટોરના ગુજરાતી માલિક સહિત એક કર્મચારીની હત્યા લૂંટના ઇરાદે કરવામાં આવી છે. આ ઘટનામાં આણંદ જીલ્લાના સોજીત્રાના વતની પ્રેયસ ઉર્ફે પીટર પટેલ તથા તેમના કર્મચારી લોગાન એડવર્ડ થોમસની બુધવારે રાત્રે હત્યા કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, અધિકારીઓએ બુધવારે રાત્રે 11:50 વાગ્યાની આસપાસ એક શંકાસ્પદ પરિસ્થિતિનો જવાબ આપ્યો હતો. કિલન ક્રીક પાર્કવેના 1400 બ્લોકમાં ગફેયરવે પ્લાઝા શોપિંગ સેન્ટર પાસે આ ઘટના ઘટી હતી. જ્યારે પોલીસ પહોંચી, ત્યારે તેઓએ બે લોકોને બંદૂકની ગોળીથી ઘાયલ જોયા હતા. જોકે તેઓને ઘટનાસ્થળે મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને બાદમાં તેમની ઓળખ યોર્કટાઉનના 52 વર્ષીય પ્રેયસ પટેલ અને ન્યૂપોર્ટ ન્યૂઝના 35 વર્ષીય લોગન એડવર્ડ થોમસ તરીકે થઈ હતી.
સ્ટોરના અન્ય કર્મચારીઓ ઘટનાથી સ્તબ્ધ
વુલ્ફ નામના કર્મચારીએ WAVY ને જણાવ્યું હતું કે પ્રેયસ પટેલ સ્ટોરના માલિક હતા, પ્રેયસ પટેલ “ખૂબ જ દયાળુ વ્યક્તિ” હતા જેમણે “તમારા માટે શક્ય તેટલું બધું કર્યું હતું. તેઓ તેમના કર્મચારીઓ માટે હંમેશા મદદગાર રહેતા. “તેઓ સમુદાયનો આદર કરતા હતા અને અહીં આસપાસના દરેક વ્યક્તિ તેમનો આદર કરે છે, તે માણસ સાથે આવું થવાનું કોઈ કારણ ન હતું.”
આણંદમાં પરિવાર શોકગ્રસ્ત, અમેરિકા જવા રવાના
અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી ગન કલ્ચરને લઇ ચર્ચા ઉઠી ત્યારે એક અઠવાડિયામાં આ બીજી ઘટના છે જ્યાં બંદૂકની અણીએ લૂંટ મચાવાઇ હોય, હાલ આણંદ ખાતે તેમનો પરિવાર તથા મિત્રો શોકગ્રસ્ત છે તથા મૃતકના નાનાભાઇ અને વિદ્યાનગર ભાજપ શહેર પ્રમુખ તેજસ પટેલ સહિતના કેટલાક પરિવારજનો અમેરિકા જવા રવાના થયાં હતાં.