વર્સિલના પિતરાઇ ભાઇ દ્વારા GoFundMe પર ક્રાઉડ ફન્ડિંગ શરૂ કરાયું હતું, 42,564 કેનેડિયન ડોલર (આશરે રૂ. 26.37 લાખ) એકત્ર થયા

કેનેડાના ઓન્ટારિયોમાં એક માર્ગ અકસ્માતમાં અમદાવાદના 19 વર્ષીય વિદ્યાર્થીના દુઃખદ મૃત્યુ પછી, સ્થાનિક સમુદાયના સભ્યોએ તેના મૃતદેહને વતન મોકલવા માટે 42,564 કેનેડિયન ડોલર (આશરે રૂ. 26.37 લાખ) એકત્ર કર્યા છે. વર્સિલ પટેલના કેનેડા સ્થિત પિતરાઈ દ્વારા શરૂ કરાયેલ ક્રાઉડફંડિંગ, C$30,000 (રૂ. 18.61 લાખ) ના નિર્ધારિત લક્ષ્યાંકને વટાવી ગયું હતું, કારણ કે 1,387 સમુદાયના સભ્યોએ C$10 થી C$501 સુધીનું દાન આપ્યું હતું. વર્સિલનું 21 જુલાઈના રોજ બેરી, ઑન્ટારિયોમાં અવસાન થયું હતું. એકઠી થયેલી રકમ વર્સિલના મૃતદેહને ભારત  મોકલવા અને તેની અંતિમ ક્રિયા પાછળ ખર્ચ કરાશે તેવું વર્સિલના ભાઈ રાજન પટેલે જણાવ્યું છે. 

કામ પર જતી વખતે થયો હતો અકસ્માત
શુક્રવારે રાત્રે બેરીના સાઉથ એન્ડમાં વર્સિલ પટેલનું અકસ્માતમાં મોત થયું હતું, જ્યાં આ અકસ્માતમાં સામેલ એક 19 વર્ષીય વ્યક્તિ સામે અકસ્માતનો આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે 19 વર્ષીય વિદ્યાર્થીને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અથડામણ સમયે તે સર્કલ K કન્વિનિયન્સ સ્ટોર પર કામ કરવા જઈ રહ્યો હતો. પોલીસનું કહેવું છે કે હુરોનિયા રોડ અને બિગ બે પોઈન્ટ રોડના કોર્નર પરના એક પ્લાઝામાં થોડે દૂર અકસ્માત થયો હતો.

આરોપી પર ખતરનાક ડ્રાઇવિંગના કારણે મૃત્યુ અને અકસ્માત બાદ કાર રોકવામાં નિષ્ફળ જવાનો આરોપ છે. પોલીસે “પબ્લિકેશન બેન”ને પગલે ડ્રાઈવરની ઓળખ જાહેર કરી નથી.