આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’માં પુત્રીનો રોલ કરનાર 19 વર્ષીય અભિનેત્રી સુહાની ભટનાગરનું નિધન થયું છે.
તેના નિધનથી તેના માતા-પિતા ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
ફિલ્મ ‘દંગલ’માં આમિર ખાનની નાની દીકરી જુનિયર બબીતા ફોગટનું પાત્ર ભજવનાર સુહાની ભટનાગરનું નિધન થતાં ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સુહાનીનો અકસ્માત થયો હતો, જેના કારણે તેના પગમાં ફ્રેક્ચર થયું હતું. સારવાર દરમિયાન તેણે લીધેલી દવાઓની એટલી બધી આડઅસર થઈ કે ધીમે ધીમે તેના શરીરમાં પ્રવાહી જમા થવા લાગ્યુ અને તેના રિએક્શનને કારણે સુહાનીના આખા શરીરમાં પાણી ભરાઈ ગયું હતું.
સુહાની છેલ્લા કેટલાક દિવસોથી ફરીદાબાદ એઈમ્સમાં સારવાર લઈ રહી હતી જ્યાં શુક્રવારે સાંજે તેનું મોત થયું હતું.
આજે સુહાનીના અંતિમ સંસ્કાર ફરીદાબાદના સેક્ટર-15 સ્થિત અજરુંડા સ્મશાન ભૂમિમાં કરવામાં આવશે.
સુહાની ભટનાગર બોલિવૂડની પ્રખ્યાત બાળ કલાકાર હતી. તે આમિર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘દંગલ’ (2016) માં બબીતા ફોગટની ભૂમિકા માટે જાણીતી છે.
આ ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. તેણે ઘણી ટેલિવિઝન જાહેરાતોમાં પણ કામ કર્યું હતું. ‘દંગલ’ પછી સુહાનીને ઘણી ફિલ્મોની ઓફર મળી હતી,પરંતુ તેણે એક્ટિંગમાંથી બ્રેક લઈ પોતાના અભ્યાસમાં ધ્યાન આપવા માંગતી હતી.
ખૂબ નાની ઉંમરે સુહાનીનું નિધન થઈ જતા ચાહકોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.