વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા પોલીસે 15 વર્ષીય કિશોરીની ધરપકડ કરી, 13મી સપ્ટેમ્બરે કોર્ટમાં રજૂ કરાશે
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના (Western Australia) પર્થ (Perth)માં એક હિંસક ધૃણાસ્પદ લૂંટની ઘટના સામે આવી છે. પર્થના એશફિલ્ડ (Ashfield) ખાતે માતા પોતાના બે બાળકોને પ્રામમાં બેસાડીને ચાલી રહી હતી ત્યારે એક 15 વર્ષીય કિશોરીએ લૂંટના ઇરાદે તેની પર હુમલો કર્યો હતો. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા પોલીસે સમગ્ર ઘટનાનો સીસીટીવી વીડિયો જાહેર કર્યો છે અને ત્યારથી સમગ્ર ઇન્ટરનેટ દુનિયામાં આ ઘટના અંગે લોકોમાં રોષ પામી રહ્યો છે. પોલીસ હજુ પણ ઘટના અંગે વધુ માહિતી એકઠી કરવામાં લોકોની મદદ માગી રહી છે.
37 વર્ષીય મહિલા સોમવારે બપોરે એશફિલ્ડમાં સ્મોલમેન પ્લેસ પર તેના બે બાળકો સાથે ચાલી રહી હતી ત્યારે પાછળથી એક છોકરી તેની પાસે આવી અને તેના પર હુમલો કર્યો. આ ઘટના બપોરે 12.40 કલાકે બની હતી. વિડિયોમાં જોવા મળી રહ્યું છે કે છોકરી મહિલાને વાળથી ખેંચી રહી છે, તેને જમીન પર પડવા માટે મજબૂર કરી રહી છે જોકે ઢાળ હોવાના કારણે માતા પણ પ્રામને મજબૂતીથી પકડીને પોતાના બાળકોને રક્ષણ આપવાની કોશિશ કરે છે. જોકે આ તરફ છોકરી સતત બળપ્રયોગથી લૂંટ કરવા અડગ રહે છે. નોંધનીય છે કે મહિલા હાલ પ્રેગ્નન્ટ હોવાનું સામે આવ્યું છે અને નાની મોટી ઇજા પણ પહોંચી છે જેથી હાલ તેને સારવાર હેઠળ રાખવામાં આવી છે.
પાડોશીઓએ મદદ માટે ચીસો સાંભળી હતી અને પોલીસને પણ બોલાવી હતી. પોલીસે જણાવ્યું કે થોડા સમય બાદ એશફિલ્ડમાં એક 15 વર્ષની છોકરીને કસ્ટડીમાં લેવામાં આવી હતી અને તેના પર લૂંટના એક ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ છોકરી આગામી 13 સપ્ટેમ્બરે ગેરાલ્ડટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરવામાં આવશે.