ગુજરાતના વડોદરામાં મોટી દુર્ઘટના બની છે અહીંના હરણી સ્થિત મોટનાથ તળાવમાં બોટ પલટી મારી જતા 15ના મોત થયાના અહેવાલ છે,મૃતકોમાં સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હોવાની વાત સામે આવી છે આ કરુણ ઘટનાને પગલે ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.
જાણવા મળતી વિગતો અનુસાર વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના શિક્ષકો અને બાળકો મોટનાથ તળાવ ઉપર પિકનિક માણવા પહોંચ્યા હતા તે દરમ્યાન તળાવમાં બોટિંગ કરવા ઉતર્યા હતા અને અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબવા લાગતા ભારે હોબાળો મચ્યો હતો અને જોતજોતામાં બોટ પાણીમાં ગરક થઈ જતા સર્જાયેલી કરુણ ઘટનામાં કુલ 15 લોકોના મોત થયા હતા જેમાં બે શિક્ષક અને 13 બાળક હોવાનું જાણવા મળી રહ્યું છે.
–ગુજરાત સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું છે
જોકે, હાથ ધરાયેલી બચાવ કામગીરીમાં ફાયર વિભાગ દ્વારા 10 બાળકો અને 2 શિક્ષકોને બચાવી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળ પર હાલ રેસ્ક્યૂ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે. તેમજ હાલ NDRFની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી.
ઘટનાની જાણ થતા જ ઘટના સ્થળ પર વડોદરા શહેર પોલીસ કમિશનર, ઉચ્ચ અધિકારીઓ, કલેકટર, સહિતના અધિકારીઓનો કાફલો પહોંચ્યો હતો.
આ ઘટનાને પગલે સમગ્ર વડોદરા શહેરમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે અને મૃતકોના પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે હરણી તળાવની દુર્ઘટનામાં તંત્ર દ્વારા રાહત-બચાવ અને સારવારની કામગીરી ચાલુ છે.
રાજ્ય સરકાર આ દુર્ઘટનામાં જાન ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારજનને 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય કરશે.
ઘટના સમયે બોટમાં તેની કેપેસિટી કરતા વધુ લગભગ 27 વ્યક્તિ સવાર હતા જેમાં મોટી ગંભીર બેદરકારી સામે આવતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઘટનામાં બે ઈસમોની અટકાયત કરી પુછતાછ શરૂ કરી છે,જ્યારે જવાબદાર મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ હજુ ફરાર છે, પોલીસને હરણી લેક ઝોનના ઘટના પાસેના સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ કરી રહી છે,દુર્ઘટનાની તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપાઈ છે,જે10 દિવસમાં રિપોર્ટ સુપ્રત કરશે