અમેરિકામાં 11 ભારતીય નાગરિકો વિઝા ફ્રોડના આરોપસર ઝડપાયા: નકલી લૂંટના નાટકો કરી મેળવવા માંગતા હતા યુ-વિઝા (U-Visa)

‘પીડિત’ બનવા માટે દરેક વ્યક્તિએ મુખ્ય સૂત્રધાર (રામભાઈ પટેલ) ને હજારો ડોલરની રકમ ચૂકવી
અમેરિકાના ન્યાય વિભાગ (DOJ) દ્વારા જાહેર કરવામાં આવેલા દસ્તાવેજો મુજબ, ૧૧ ભારતીય નાગરિકો પર વિઝા મેળવવા માટે સશસ્ત્ર લૂંટના નાટકો કરવાનું કાવતરું ઘડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ કૌભાંડનો મુખ્ય હેતુ અમેરિકાના ‘યુ-વિઝા’ (U-Visa) મેળવવાનો હતો, જે સામાન્ય રીતે ગંભીર ગુનાના સાચા પીડિતોને આપવામાં આવે છે.
નકલી લૂંટનું આયોજન:
આરોપીઓએ માર્ચ 2023 થી મેસેચ્યુસેટ્સ અને અન્ય રાજ્યોમાં આવેલા લિકર સ્ટોર્સ, કન્વીનિયન્સ સ્ટોર્સ અને ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ્સમાં નકલી લૂંટનું આયોજન કર્યું હતું. આ લૂંટ દરમિયાન એક ‘નકલી લૂંટારો’ હથિયાર બતાવીને કેશ રજિસ્ટરમાંથી પૈસા લૂંટી જતો હતો. આ આખી ઘટના જાણીજોઈને સ્ટોરના સીસીટીવી કેમેરામાં કેદ કરવામાં આવતી હતી જેથી તેનો પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે.
ઝડપાયેલા 11 આરોપીઓના નામ: બધા જ અમેરિકામાં Unlawfully
૧. જિતેન્દ્રકુમાર પટેલ (૩૯, માર્શફિલ્ડ)
૨. મહેશકુમાર પટેલ (૩૬, રેન્ડોલ્ફ)
૩. સંજયકુમાર પટેલ (૪૫, ક્વિન્સી)
૪. દીપિકાબેન પટેલ (૪૦, વેમાઉથ)
૫. રમેશભાઈ પટેલ (૫૨, યુબેંક, કેન્ટકી)
૬. અમિતાભન પટેલ (૪૩, પ્લેનવિલ)
૭. રોનકકુમાર પટેલ (૨૮, મેરીલેન્ડ હાઈટ્સ)
૮. સંગીતાબેન પટેલ (૩૬, રેન્ડોલ્ફ)
૯. મિંકેશ પટેલ (૪૨, પેરીસબર્ગ, ઓહાયો)
૧૦. સોનલ પટેલ (૪૨, પેરીસબર્ગ, ઓહાયો)
૧૧. મિતુલ પટેલ (૪૦, વોર્સેસ્ટર)
પોલીસને ખોટી જાણકારી:
ઘટના બાદ, સ્ટોરના કર્મચારીઓ (જેઓ વાસ્તવમાં આ કાવતરાનો ભાગ હતા) લૂંટારો ભાગી જાય ત્યાં સુધી પાંચ મિનિટ કે તેથી વધુ સમય રાહ જોતા હતા અને પછી પોલીસને ફોન કરીને પોતાને ‘સશસ્ત્ર લૂંટના પીડિત’ તરીકે રજૂ કરતા હતા. આ ખોટી પોલીસ ફરિયાદના આધારે તેઓ ‘યુ-વિઝા’ માટે અરજી કરવા પાત્ર બનતા હતા, જે વિઝા ગુનાની તપાસમાં મદદ કરનાર પીડિતોને અમેરિકામાં કાયદેસર રહેવાની મંજૂરી આપે છે.
નાણાકીય લેવડદેવડ અને ધરપકડ:
તપાસમાં બહાર આવ્યું છે કે આ ‘પીડિત’ બનવા માટે દરેક વ્યક્તિએ મુખ્ય સૂત્રધાર (રામભાઈ પટેલ) ને હજારો ડોલરની રકમ ચૂકવી હતી. બદલામાં પટેલ આ સ્ટોરના માલિકોને લૂંટનું નાટક કરવા દેવા માટે પૈસા આપતો હતો. શુક્રવારે મેસેચ્યુસેટ્સ, કેન્ટકી, મિઝોરી અને ઓહાયોમાંથી 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક મહિલાને અગાઉ જ ભારત ડિપોર્ટ (દેશનિકાલ) કરી દેવામાં આવી હતી.

કાયદાકીય સજાની જોગવાઈ:
વિઝા ફ્રોડના આ કાવતરા બદલ જો આરોપીઓ દોષિત ઠરે, તો તેમને વધુમાં વધુ પાંચ વર્ષની જેલની સજા, ત્રણ વર્ષની સુપરવાઈઝ્ડ રિલીઝ અને ૨,૫૦,૦૦૦ યુએસ ડોલર (આશરે ૨ કરોડથી વધુ રૂપિયા) સુધીનો દંડ થઈ શકે છે. અમેરિકન એજન્સીઓએ સ્પષ્ટ કર્યું છે કે વિઝા સિસ્ટમનો આવો દુરુપયોગ ચલાવી લેવામાં આવશે નહીં.
