ભારતીય જનતા પાર્ટી (BJP) ફેબ્રુઆરીના અંત સુધીમાં લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે,સૂત્રોનું કહેવું છે કે આ યાદીમાં લગભગ 100 ઉમેદવારોના નામ હશે.
લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપની પ્રથમ યાદીમાં મોટાભાગે તે બેઠકો હશે જેમાં પાર્ટી 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં હારી ગઈ હતી.
આ યાદીમાં ઉત્તર પ્રદેશની 14 લોકસભા સીટો પણ સામેલ છે.
આ સિવાય ભાજપ તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, પંજાબ, જમ્મુ કાશ્મીર, ઓડિશા અને મહારાષ્ટ્રની હારેલી સીટો પર પહેલા ઉમેદવારો ઉભા કરી શકે છે.
ભાજપે આવી લગભગ 160 બેઠકો પસંદ કરી હોવાનું સુત્રોનું કહેવું છે, જેમાં કાં તો ભાજપ બહુ ઓછા માર્જિનથી ચૂંટણી જીતી શક્યું છે અથવા તો જીતી શક્યું નથી.
આ બેઠકો પર ભાજપ લગભગ એક વર્ષ પહેલા ક્લસ્ટર ઈન્ચાર્જની નિમણૂંક કરીને કામ કરી રહ્યું છે. આવી 160 બેઠકોમાંથી લગભગ 100 બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.
ભાજપ કોઈપણ આ મહિનાના અંત સુધીમાં સમયે આ ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે.
આ વખતે લોકસભાની ચૂંટણી એપ્રિલ-મે 2024માં યોજાવાની છે, તેથી તમામ પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે, પરંતુ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં ભાજપ આગળ વધી શકે છે.
થોડા મહિના પહેલા યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપે આવું જ કર્યું હતું. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપે તેના હરીફો પહેલા ઉમેદવારોની જાહેરાત કરી હતી.
રાજકીય વિશ્લેષકો માને છે કે અગાઉ યાદી જાહેર કરવાથી ઉમેદવારોને પ્રચાર માટે વધુ સમય મળે છે.
આવા ઉમેદવારોની ટિકિટ ફાઇનલ થઈ જતા તેઓ પુરજોશમાં પ્રચાર શરૂ કરે છે.
છેલ્લી ઘણી ચૂંટણીઓમાં ભાજપ આ ફોર્મ્યુલાને અનુસરી રહ્યું છે.
ભાજપે પણ લોકસભા ચૂંટણી માટે દેશભરમાં નાની પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું છે.
80 લોકસભા બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં ભાજપે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આરએલડી સાથે ગઠબંધન કર્યું છે. જ્યારે પૂર્વી ઉત્તર પ્રદેશમાં ઓમપ્રકાશ રાજભર અને અનુપ્રિયા પટેલની પાર્ટી સાથે ગઠબંધન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ 11 એપ્રિલથી 19 મે સુધી સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2019માં ભાજપે રેકોર્ડ 37.36 ટકા વોટ શેર સાથે 303 બેઠકો જીતી હતી,જ્યારે બીજેપીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ કુલ 353 સીટો જીતી હતી.
તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયેલા પીએમ મોદીએ મંચ પરથી કહ્યું હતું કે રાજ્યમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે અને આ વખતે ભાજપને 370 બેઠકો જીતવાનો દાવો કર્યો,સાથે જ તેમણે જનતાને એનડીએને 400થી આગળ લઈ જવા મતદાન કરવા અપીલ કરી હતી.