ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ગતરોજ બપોરથી લઈ રાત સુધીમાં ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ પડતાં અનેક જગ્યાએ તારાજી સર્જાઈ હતી ત્યારે આ બધા વચ્ચે મુંબઈમાં તોતિંગ હોર્ડિંગ્સ તૂટી પડતા 100 લોકો નીચે દબાઈ ગયા હતા જે પૈકી 14 લોકોના કરુણ મોત થતા ભારે અરેરાટી ફેલાઈ ગઇ છે.
સોમવારે મુંબઈમાં વરસાદ અને વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. અહીંના ઘાટકોપર વિસ્તારમાં પેટ્રોલ પંપ પર લગાવાયેલું 250 ટન વજનનું 100 ફૂટ લાંબુ વિશાળ હોર્ડિંગ તૂટી પડતા 14 લોકોના મોત થયા છે. જ્યારે 70થી વધુ લોકો ઘાયલ થયા છે,જ્યારે 78 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
મુંબઈમાં સોમવારે સાંજે તોફાન અને વરસાદે ભારે તબાહી મચાવી હતી. ધૂળની ડમરીઓથી માર્ગો પર ઉડતા રસ્તાઓ પર વાહનો એકબીજા સાથે અથડાયા હોવાના અનેક બનાવો બન્યા હતા.
પવનના તોફાન દરમિયાન ઘાટકોપર વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 100થી વધુ લોકો હોર્ડિંગ નીચે દટાઈ ગયા હતા.
અધિકારીઓનું કહેવું છે કે આ હોર્ડિંગ ગેરકાયદેસર હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હોર્ડિંગ્સ પડી જવાથી થયેલા મોત પર શોક વ્યક્ત કર્યો છે. મુંબઈ પોલીસે આ મામલે ઈગો મીડિયાના માલિક અને અન્ય લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
ઘટના બાદ NDRFની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી.
BMCનું કહેવું છે કે ઘાયલોમાંથી 31 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, અન્યની સારવાર ચાલી રહી છે.
ઘટનાની જાણ થતાં જ CM એકનાથ શિંદે અને ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસ પોતે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
વરસાદના કારણે ઘાટકોપરના CNG પંપ પર ઘણા લોકો અહીં વરસાદ બંધ થવાની રાહ જોઈ રોકાયા હતા. જ્યારે કેટલાક લોકો પોતાના વાહનોમાં ઈંધણ લેવા આવ્યા હતા તે વખતે ભારે પવનને કારણે આ તોતિંગ હોર્ડિંગ તૂટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હતી.