લોકસભાની ચૂંટણીઓ અગાઉ ગુજરાતના રાજકારણમાં પક્ષ પલટો શરૂ થયો છે અને જયારે ભાજપ દ્વારા કોંગ્રેસ મુક્ત ભારતનું સ્લોગન વહેતુ કરાયું ત્યારથી અત્યારસુધી કઈ કેટલાય કોંગ્રેસીઓ ભાજપમાં જોડાઈ ચુક્યા છે અને છેલ્લાં 20 વર્ષમાંતો ગુજરાત કોંગ્રેસના 100 જેટલા નેતાઓ ભાજપમાં જોડાઈને સદી ફટકારી છે.
કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ ભાજપના સંપર્કમાં પહેલેથી હતા અને ભાજપમાં આવવા માંગતા હોવાની વાત કહેવામાં આવી રહી છે.
તેમણે જે રીતે વાત કરી છે તે જો સાચુ પડે તો ચૂંટણી આવતાં પહેલાં કોંગ્રેસના બીજા પાંચથી સાત ધારાસભ્યો પક્ષપલટો કરે તો નવાઈ નહિ હોય.
વીતેલા વર્ષો ઉપર નજર કરવામાં આવેતો 2002થી 2017 સુધી કોંગ્રેસના 80 જેટલા મોટા માર્થાઓ ભાજપમાં ગયા છે.
જ્યારે 2017 થી 2022 સુધીમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા 20 પૈકી 12 પૂર્વ ધારાસભ્યોને ભાજપે ગત વિધાનસભાની ચૂંટણીમાં ટિકીટ આપી તે પૈકીના નવ નેતાઓ ધારાસભ્ય બની શક્યા છે.

એક સમયે કોંગ્રેસના પીઢ નેતા ગણાતા નરહરિ અમીન પણ ભાજપમાં ગયા અને અત્યારે રાજ્યસભાના સભ્ય છે. તેજ રીતે બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળિયા અને રાઘવજી પટેલ કેબિનેટ મંત્રી છે, આ ત્રણેયને મસ્ત મજાના ખાતાઓ આપવામાં આવેલા છે.
પાટીદાર આંદોલન બાદ ઉભરી આવેલા બે યુવા નેતાઓ હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર પણ ભાજપમાં ધારાસભ્ય બની ગયા છે.
મહત્વનું છે કે કોંગ્રેસના નેતાઓને ભાજપમાં પક્ષપલટો કરાવીને ભાજપે 2022ની ચૂંટણીમાં 156 બેઠકો મેળવી હતી, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 17 બેઠકો આવી હતી.
આ એક રાજકીય શતરંજનો ખેલ છે જેમાં ‘જો જીતા વહી સિકંદર’કહેવાય છે.

કોંગ્રેસના પૂર્વ પ્રભારી રઘુ શર્માએ પક્ષપલટો કરનારા કોંગ્રેસના નેતાઓને પાર્ટીનો કચરો ગણાવ્યો હતો જેની સામે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે તેઓએ કહ્યું કે આ કચરો હવે 16 જ રહ્યો છે,જો બધા જતા રહેશે તો નામુ નખાઈ જશે, ઘણી વખત કચરો પણ ઘરના ખૂણામાં સાચવી રાખવો પડે છે.
હજુ પણ ત્રણ ચાર ધારાસભ્ય તૂટશે.
તે પહેલાં પક્ષના આગેવાનોએ તેમનો સંપર્ક કરી ધારાસભ્યોની બેઠક બોલાવવી જોઈએ આ અંગે કહ્યું પણ ખરું પણ કોંગેસ સીરિયસ નથી. ધારાસભ્ય જાય તેમાં પક્ષ ગંભીર નથી. આની જગ્યાએ ભાજપ હોત તો સંગઠન દ્વારા બેઠક કરી સમસ્યાનો હલ લાવ્યું હોત. 
આમ,લોકસભાની ચૂંટણી પહેલા બચેલા 16 કોંગી ધારાસભ્ય પૈકી હજુપણ કેટલાકની વિકેટ પડે તેમ મનાઈ રહયુ છે.