બે તબક્કામાં યોજાશે વિધાનસભા ચૂંટણી, હિમાચલ અને ગુજરાતની 8 ડિસેમ્બરે મતગણતરી- ચૂંટણી પંચ
ભારતના રાષ્ટ્રીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની તારીખોનું એલાન કરી દીધું છે. ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે, જેમાં પહેલો તબક્કો 1 ડિસેમ્બરે અને બીજો તબક્કો 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે જ ગુજરાતમાં હિમાચલ પ્રદેશની સાથે જ 8 ડિસેમ્બરે જ મતગણતરી યોજાનારી છે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર ચૂંટણીના કાર્યક્રમનું એલાન કર્યું છે.
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે.
પંચે કહ્યું કે, નવા 3.4 લાખ મતદારોએ સુધારેલી નામાંકન ડેડલાઈનનો લાભ લીધો, હવે આ લોકો આ વખતે મતદાન કરી શકશે. ચૂંટણીપંચે નામાંકનની તારીખ સુધારી ન હોત તો તેઓ 1 જાન્યુઆરી 2023 પછીની ચૂંટણી માટે ક્વોલિફાય થઈ શક્યા હોત. તમામ મતદાન મથકે પીવાના પાણી, રેમ્પ, ટોઈલેટ, વેઈટિંગ રુમ જેવી સુવિધા અપાશે, તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે. નવો પ્રયોગ- વિશેષ ઓબ્ઝર્વર દરેક મતદાન મથકે રહેશે અને સિનિયર સિટિઝનો, દિવ્યાંગો વગેરે માટે વિશેષ સુવિધાની દેખરેખ રાખશે.