સંસદની સુરક્ષા ચૂક પ્રકરણ ખુબજ ગાજયું છે અને તેના રાજ્યસભામાં પણ ભારે પડઘા પડ્યા છે ત્યારે હવે આ પ્રકરણમાં માસ્ટરમાઇન્ડ ગણાતા લલિત મોહન ઝાએ ગુરુવારે રાત્રે દિલ્હી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. દિલ્હી પોલીસે આ જાણકારી આપી છે.
અધિકારીઓએ જણાવ્યું કે આરોપી લલિતની પૂછપરછ કરવામાં આવી રહી છે.તમને જણાવી દઈએ કે લલિત ઘટના બાદથી ફરાર હતો. લલિત આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર હોવાનું કહેવાય છે.
પોલીસે અગાઉ સંસદ સુરક્ષા ભંગ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ લલિત વિશે કોઈ સુરાગ મળતો ન હતો. અગાઉ સમાચાર આવ્યા હતા કે તે રાજસ્થાનમાં ક્યાંક છુપાયો છે પરંતુ તે હવે જાતેજ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થઈ ગયો છે.
તેણે આરોપી સાગર શર્મા અને મનોરંજનને સંસદ ભવન જવા માટે પાસની વ્યવસ્થા કરી હતી.
જોકે, હજુ સુધી આરોપીઓ કોઈ સંગઠન સાથે સંકળાયેલા હોવાની માહિતી મળી નથી.
પોલીસે જણાવ્યું કે આ તમામ આરોપીઓ સોશિયલ મીડિયા ગ્રુપ ભગત સિંહ ફેન ક્લબ સાથે જોડાયેલા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ આરોપી દોઢ વર્ષ પહેલા મૈસુરમાં મળ્યા હતા.
સાગર જુલાઈમાં લખનૌથી દિલ્હી આવ્યો હતો, પરંતુ સંસદ ભવનમાં પ્રવેશી શક્યો ન હતો.10 ડિસેમ્બરે બાકીના આરોપીઓ પોતપોતાના રાજ્યોમાંથી દિલ્હી પહોંચ્યા હતા અને તેઓ ઈન્ડિયા ગેટ પાસે ભેગા થયા હતા.
પોલીસે જણાવ્યું હતું કે સંસદ ભવનની અંદર વાંધાજનક વસ્તુઓ ગુપ્ત રીતે લઈ જવામાં આવી હતી.
આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA)ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 120B, 453, 153, 186, 353 અને UAPAની કલમ 16 અને 18 હેઠળ કેસ નોંધ્યો છે.