રાજસ્થાનના મુખ્યમંત્રીનો તાજ કોને શીરે મુકાશે તે આજે સાંજે સ્પષ્ટ થઈ જશે.
જયપુરમાં આજે મળનારી વિધાયક દળની બેઠક બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.
રાજસ્થાનના નવા મુખ્યમંત્રી અંગે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે અને એમપી-છત્તીસગઢની જેમ ભાજપ અહીં પણ આશ્ચર્યજનક નામની જાહેરાત થઈ શકે છે જેની ઉપર સૌની નજર મંડાયેલી છે.
મુખ્યમંત્રી અંગેના નિર્ણય માટે આજે મંગળવારે જયપુર ભાજપ કાર્યાલયમાં ધારાસભ્ય દળની બેઠક થશે જેમાં પાર્ટી દ્વારા નિયુક્ત કરાયેલા નિરીક્ષકો રાજનાથ સિંહ, સરોજ પાંડે અને વિનોદ તાવડે બેઠકમાં ઉપસ્થિત રહેશે. આ બેઠક સાંજે 4 વાગ્યે શરૂ થશે, ત્યારબાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.
બીજી તરફ તમામની નજર વસુંધરા રાજે પર પણ રહેશે,કારણ કે અત્યાર સુધી રાજે મુખ્યમંત્રી પદની રેસમાં આગળ હતા, પરંતુ હવે મધ્યપ્રદેશમાંથી શિવરાજ સિંહનું નામ હટી જતાં હવે રાજસ્થાનમાં પણ હાઇ કમાન્ડનો અંતિમ નિર્ણય શુ હશે તે કહેવું વહેલું ગણાશે અને જો આવી સ્થિતિમાં જો કોઈ અન્ય રાજસ્થાનના મુખ્યમંત્રી બને છે તો વસુંધરા રાજેનું શુ રિએક્શન રહેશે તેના પર સૌની નજર રહેશે.
મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકોથી સ્પષ્ટ થઈ ગયું છે કે દિલ્હીથી આવતા નિરીક્ષકો ધારાસભ્યો સાથે મુખ્યમંત્રીના ચહેરા અંગે ચર્ચા નહીં કરે એટલે કે ધારાસભ્યોને તેમની પસંદગીઓ અને અભિપ્રાયો વિશે પૂછવામાં આવશે નહીં.
ત્રણેય નિરીક્ષકો દિલ્હીથી લાવવામાં આવેલા નામો અંગે એક લીટીની દરખાસ્ત પસાર કરશે, ત્યારબાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.