કેન્દ્ર સરકારની ખેડૂતોને ભેટ, રવિ પાકના MSP માં વધારો
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બુધવારે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટે વર્ષ 2022-23 ની સિઝન માટે રવી પાકના MSP (લઘુતમ ટેકાના ભાવ) માં વધારો કર્યો છે. કૃષિ કાયદાને લઈને ખેડુતો દ્વારા કરવામાં આવી રહેલા આંદોલન વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે ઘઉં માટે એમએસપીમાં 40 રૂપિયાનો વધારો કર્યો છે, જે હવે 2015 રૂપિયા સુધી પહોંચી ગયો છે જ્યારે જવની MSPમાં 35 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
સરકારના જણાવ્યા મુજબ, મસૂર, રેપસીડ અને સરસવ (₹ 400 પ્રતિ ક્વિન્ટલ) ની MSP અગાઉના વર્ષની સરખામણીએ સૌથી વધુ વધારવામાં આવી છે, જેના કારણે તમામ ફરજિયાત રવિ પાક માટે લઘુતમ ટેકાના ભાવમાં વધારો થશે.
છેલ્લા કેટલાક સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પાકોની MSP વધારવામાં આવી રહી છે. સરકારનો દાવો છે કે ખેડૂતોને લઈને જે નિર્ણય લેવામાં આવ્યા છે, તેનાથી ખેડૂતોની આવક બમણી કરવા તરફ મહત્વનું પગલું ભરવામાં આવશે.
ખેડૂતોના આંદોલન વચ્ચે MSP વધારો
સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે કૃષિ કાયદાઓના મુદ્દે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતો લગભગ 10 મહિના કરતા વધારે સમયથી દિલ્હીની વિવિધ સરહદોને ઘેરી ચૂક્યા છે અને તેમનો વિરોધ નોંધાવી રહ્યા છે.
તે જ સમયે, હવે ફરી એક વખત ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું છે. બુધવારે, જ્યારે કેન્દ્રીય કેબિનેટે રવિ પાકના એમએસપી વધારવાનો નિર્ણય કર્યો, ત્યારે હરિયાણાના કરનાલમાં ખેડૂતો અને સ્થાનિક વહીવટીતંત્ર સામસામે છે. ખેડૂત સંગઠનો અહીં લાઠીચાર્જનો વિરોધ કરી રહ્યા છે.