ભારતના મહાન ક્રાંતિકારી રાજેન્દ્ર લાહિડીનો આજે 17મી ડિસેમ્બરના રોજ શહીદ દિન છે.
વર્ષ 1927માં આજની તારીખે અંગ્રેજોએ ભારતના મહાન ક્રાંતિકારી રાજેન્દ્ર લાહિડીને ગોંડા જેલમાં ફાંસી આપી હતી.
ક્રાંતિકારી રાજેન્દ્ર લાહિડીનો જન્મ તા. 29 જૂન 1901ના રોજ આજના બાંગ્લાદેશમાં આવેલા પબના જિલ્લાના મડ્યાં (મોહનપુર) ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ક્ષિતિ મોહન લાહિડી અને માતાનું નામ બસંત કુમારી હતું.
અંગ્રેજ સરકાર માટે ક્રાંતિકારી લાહિરી કાકોરી ઘટનાના મુખ્ય આરોપીઓ પૈકીના એક હતા અને તે સમયે અંગ્રેજોએ તેમની ધરપકડ કરી અને અદાલતમાં કેસ ચલાવ્યો હતો.
17 ડિસેમ્બર 1927ના રોજ ગોંડા જિલ્લાની જેલમાં તેમના સાથીઓના બે દિવસ પહેલા તેમને ફાંસી આપવામાં આવી હતી.
રાજેન્દ્રનાથ લાહિરીની નસેનસમાં દેશભક્તિ અને નિર્ભયતાનું લોહી વહેતુ હતું.
તે સમયના કાકોરી કાંડ પ્રકરણમાં રાજેન્દ્ર લાહિડીને સાથ આપનાર અન્ય ચાર ક્રાંતિકારી – પંડિત રામ પ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લાહ ખાન અને ઠાકુર રોશન સિંહને પણ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે તા.9 ઓગષ્ટ, 1925ના રોજ બનેલી કાકોરી કાંડની ઘટના હંમેશા રાજેન્દ્ર પ્રસાદ લાહિડી,રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં જેવા ક્રાંતિકારીઓને લઈ ઓળખાય છે.
તે વખતે હિંદુસ્તાન રિપબ્લિક અસોસિએશન (HRA) સાથે સંકળાયેલા ક્રાંતિકારીઓએ તે ઘટનાને અંજામ આપ્યો હતો.
આ ઘટના એક ટ્રેન લૂંટ સાથે સંકળાયેલી છે જે 9 ઓગષ્ટ, 1925ના રોજ કાકોરીથી ચાલી હતી. આંદોલનકારીઓએ તે ટ્રેનને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. ટ્રેન જ્યારે લખનૌથી આશરે 8 મીલ દૂર હતી તે સમયે તેમાં બેઠેલા 3 ક્રાંતિકારીઓએ ગાડીને ઉભી રાખી હતી અને સરકારી ખજાનો લૂંટી લીધો હતો.
આ માટે સ્વતંત્રતા સેનાનીઓએ જર્મન માઉજરનો ઉપયોગ કર્યો હતો અને અંગ્રેજોના સરકારી ખજાનામાંથી 4,000 રૂપિયા લૂંટી લીધા હતા. કાકોરી કાંડના આરોપમાં રાજેન્દ્રનાથ લાહિડી સહિત
રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં અને રોશન સિંહને ફાંસી આપવામાં આવી હતી.
અંગ્રેજોએ ક્રાંતિકારી રાજેન્દ્ર નાથ લાહિડીની કાકોરી ષડ્યંત્ર અને દક્ષિણેશ્વર બોમ્બ ધડાકા પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર તરીકે ધરપકડ કરી હતી અને ફાંસી આપી હતી.
રાજેન્દ્ર પ્રસાદ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનના સક્રિય સભ્ય પણ હતા જેનોનો હેતુ અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવાનો હતો.