ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી માન્ચેસ્ટરમાં રમાનારી પાંચમી ટેસ્ટ કોરોનાના કારણે રદ કરવામાં આવ્યા બાદ ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો છે.
હવે એવો વિવાદ જાગી રહ્યો છે કે, આ ટેસ્ટ રદ થઈ તો સિરિઝ કોણ જિત્યુ, કારણકે ચોથી ટેસ્ટ બાદ ભારત 2-1થી આગળ છે અને ટેસ્ટ મેચ રદ થયા બાદ એવી ખબર આવી હતી કે, ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડનુ માનવુ હતુ કે, ટેસ્ટ મેચ રમવા માટે ટીમ ઈન્ડિયાએ  ઈનકાર કર્યો હોવાથી આ મેચ ઈંગ્લેન્ડ જીતેલુ ગણાશે અને સિરિઝ 2-2થી બરાબર રહેશે.
જોકે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સૂત્રોએ આ અહેવાલોને ફગાવી દીધા છે.ક્રિકેટ બોર્ડના સૂત્રોનુ કહેવુ છે કે, સિરિઝમાં ટીમ  ઈન્ડિયાની 2-1થી લીડ યથાવત રહેશે અને પાંચમી ટેસ્ટ બંને દેશો વચ્ચે પાછળથી રમાડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ટીમના કોચ રવિ શાસ્ત્રી તેમજ બોલિંગ કોચ ભરત અરુણ કોરોના પોઝિટિવ આવ્યા હતા અને મેચના એક દિવસ પહેલા ફિઝિયો યોગેશ પરમાર પણ કોરોના પોઝિટિવ જાહેર થયા ત્યારથી જ મેચ પર અનિશ્ચિતતાના વાદળો છવાયા હતા.
ભારતીય ટીમના ખેલાડીઓનો કોરોના ટેસ્ટ તો નેગેટિવ આવ્યો હતો પણ ખેલાડીઓએ મેચ રમવા માટે ચિંતા વ્યક્ત કરી હતી.