*આર્જેન્ટીનાએ મેસીની ગોલ હેટ્રિકને સહારે બોલિવીયાને હરાવ્યું
* બ્રાઝિલ અને ઉરૃગ્વે પણ જીત્યા
આર્જેન્ટીનાના લેજન્ડરી ફૂટબોલર લાયોનેલ મેસીએ ગોલ હેટ્રિક ફટકારતાં ટીમને ૩-૦થી બોલિવીયા સામેની ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં જીત અપાવી હતી. આ દરમિયાન તેણે પેલેના ૭૭ ગોલના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. મેસી હવે ૭૯ ગોલ સાથે સાઉથ અમેરિકાનો સૌથી વધુ ગોલ ફટકારનારો ખેલાડી બની ગયો છે.
મેસીએ કારકિર્દીની ૧૫૩મી મેચ રમતાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. જ્યારે પેલેએ બ્રાઝિલ તરફથી ૯૨ સત્તાવાર મેચો રમતાં ૭૭ ગોલ કર્યા હતા. ઘરઆંગણાના વીસ હજારથી વધુ પ્રેક્ષકોની હાજરીમાં રેકોર્ડ બ્રેકિંગ ગોલ ફટકારવાની સિદ્ધિ હાંસલ કરનારા મેસીએ કહ્યું હતુ કે, આ સિધ્ધિની ઉજવણી માટે આનાથી બીજું વધુ સારૃ સ્થળ કયું હોઈ શકે. મારી માતા અને ભાઈઓ સ્ટેડિયમમાં ઉપસ્થિત છે. તેમણે ઘણું સહન કર્યું છે અને આજે તેઓ મારી સાથે આ ઉજવણીમાં સામેલ થયા છે. સાઉથ અમેરિકા તરફથી સૌથી વધુ ગોલ ફટકારવામાં બ્રાઝિલનો નેમાર ૬૮ ગોલની સાથે ત્રીજા ક્રમે છે.
આર્જેન્ટીનાએ બે મહિના પહેલા જીતેલી કોપા અમેરિકાની ટ્રોફી પણ સ્ટેડિયમમાં લાવવામાં આવી હતી અને મેસી સહિતના ખેલાડીઓએ ટ્રોફી સાથે સ્ટેડિયમનું ચક્કર લગાવ્યું હતુ. આર્જેન્ટીનામાં કોરોનાના કારણે ૨૦ મહિના બાદ પહેલી વખત સ્ટેડિયમમાં પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર મુકાબલામાં બ્રાઝિલ અને ઉરૃગ્વેએ જીત હાંસલ કરી હતી. બ્રાઝિલે બે ગોલને સહારે પેરૃને હરાવ્યું હતુ. બ્રાઝિલે આ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતુ. જ્યારે બીજા ક્રમ આર્જેન્ટીના સ્થાન ધરાવે છે. ત્રીજો ક્રમ ઉરુગ્વેને મળ્યો છે. જેને એકમાત્ર ગોલને સહારે એક્વાડોરને મહાત કર્યું હતુ.