ખેડૂતો પોતાના ખેતરમાં ખૂબજ મહેનત કરી મોંઘા બિયારણ,ઉંચી મજૂરી ચૂકવી પાક તૈયાર કરે છે પણ જ્યારે તેને વેચવા જાય ત્યારે યોગ્ય ભાવ મળતા નથી અને વચેટિયા બાજી મારી જાય છે આવા સંજોગોમાં ખેડૂતને કઈ મળતું નથી અને વચેટિયા બાદમાં ભાવ વધારો કરી માલા માલ થઈ રહયા છે ત્યારે હવે સરકારે ખેડૂતોને સીધું માર્કેટ મળે તે દિશામાં પગલાં ભરવા વિચારણા શરૂ કરી છે.
દૂધ મંડળીની જેમ સહકારી સોર્ટિંગ અને પેકેજિંગ મંડળી રચીને ખેડૂત પોતાનું ઉત્પાદન સીધા બજારમાં વેચાણ કરી શકે તેના માટે શહેરોમાં મોટા કૃષિમોલ ઉભા કરવા સહકાર વિભાગે કવાયત શરૂ કરી છે.
સહકાર મંત્રી જગદિશ વિશ્વકર્માએ આ દિશામાં ચાલી રહેલા અભ્યાસ અંગે મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ હતું કે, ખેડૂતોને સીધુ બજાર મળી શકે તેના માટે અમુલની જેમ સહકારી મંડળીઓથી વ્યવસ્થાઓ ઉભી કરવા આઈઆઈએમ- અમદાવાદ અને સહકાર વિભાગ, નિયામકનું તંત્ર તેમજ APMC સહિતના હિતધારકો સાથે મળીને અભ્યાસ કરી બાદમાં આ દિશામાં કોઈ નક્કર નિર્ણય લેવામાં આવનાર છે.
આ માટે તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ- APMCને સાંકળીને એક રાજ્ય કક્ષાનું ફેડરેશન રચી શહેરોમાં કૃષિમોલ ઉભા કરીને વેપારી કે વચેટિયા વગર છેવટના વપરાશકર્તા- ગ્રાહકો સુધી ખેડૂતો જ પોતે અનાજ, શાક, ફળ અને કઠોળનુ સીધું વેચાણ કરી શકે તેવી વ્યવસ્થા માટે રાજ્ય સરકારના સહકાર વિભાગ દ્વારા અભ્યાસ શરુ કરાયો છે અને દિશામાં વિચારણા ચાલી રહી છે.
જો,આવું થશે તો ખેડૂતોના હિતમાં રહેશે અને પોતાના ઉત્પાદનનું ધાર્યું વળતર મળી રહેશે તેમ મનાય છે.