ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની વચ્ચે આગામી તા. 14 ડિસેમ્બરથી પ્રથમ ટેસ્ટ સીરીઝનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે જ ઑસ્ટ્રેલિયાનાં ઓપનર ઉસ્માન ખ્વાજાએ એવું કંઈક કર્યું કે વિવાદ ઉભો થઇ ગયો છે અને ક્રિકેટ જગતમાં આ વાત ભારે ચર્ચાનો વિષય બની છે.
ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની બંને ટીમો 3 ટેસ્ટ મેચની આ સીરીઝમાં સૌથી પહેલા પર્થમાં આમને-સામને ટકરાશે પણ આ મેચ અગાઉ જ એક વિવાદ શરૂ થયો છે જે ઈઝરાયલ અને પેલેસ્ટાઈનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધ રિલેટેડ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઑસ્ટ્રેલિયાનાં ઓપનર ઉસ્માન ખ્વાજા સતત ઈઝરાયલ-પેલેસ્ટાઈન યુદ્ધ મામલે કોઈને કોઈ ટિપ્પણી કરતાં રહે છે.
દરમિયાન હાલમાં જ પાકિસ્તાન સામેની ટેસ્ટ અગાઉ તેઓએ પોતાના બૂટ ઉપર એક સંદેશો લખી વાયરલ કર્યો છે.
ઑસ્ટ્રેલિયાનાં ઓપનર ઉસ્માન ખ્વાજા પ્રેક્ટિસ દરમિયાન એવા શૂઝ પહેરીને આવ્યાં જેના પર લખ્યું હતું કે આઝાદી એક માનવાધિકાર છે અને તમામ જીવ એક સમાન છે. આ સંદેશો પેલેસ્ટાઈનનાં સમર્થનમાં લખવામાં આવ્યો હતો.
જોકે,મેચ અગાઉ જ આ ફોટો એટલો બધો વાયરલ થઈ ગયો કે જેના લીધે હવે વિવાદ છેડાઈ ગયો છે અને ICCનાં નિયમ અનુસાર કોઈપણ ઈંટરનેશનલ મેચ કે સીરીઝની વચ્ચે કોઈ ખેલાડી કે ટીમ સાથે સંકળાયેલો કોઈ વ્યક્તિ રાજકીય નિવેદન કે સંદેશ ન આપી શકે. જો કે સીરીઝની હજુ સુધી શરૂઆત નથી થઈ અને ઉસ્માન ખ્વાજાએ પ્રેક્ટિસ દરમિયાન આ જૂતા પહેર્યાં હતાં. ઉસ્માન ખ્વાજા પહેલાં પણ ઈઝરાયલ અને પેલેસ્ટાઈન મુદે ઘણાં વોકલ રહ્યાં છે. તેમણે સતત પેલેસ્ટાઈનનું સમર્થન કર્યું છે અને ઈંટરનેશનલ કમ્યૂનિટીને આ મામલા પર એક્શન લેવા માટે અપીલ પણ કરી છે