ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયા છે.
હિમાચલના છ શહેરો સહિત 10 વિસ્તારોનું લઘુત્તમ તાપમાન માઈનસ સ્તર પર પહોંચી ગયું છે.
રાજધાની શિમલાના કોલ્ડ ઝોનમાં પીવાના પાણીની પાઈપોમાં બરફ જામી ગયો છે.
રસ્તાઓ પર ઢોળાતા પાણી પણ બરફમાં ફેરવાઇ ગયા છે.

જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 5.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું , જે શ્રીનગરમાં આ સિઝનની અત્યાર સુધીની સૌથી ઠંડી રાત હતી. તે જ સમયે, આ વખતે ચિલ્લી કલાન પહેલા જ દાલ સરોવર સહિત અન્ય પાણીના સ્ત્રોતો થીજવા લાગ્યા છે અને
નદીઓના કિનારે બરફ જમા થયો છે,હિમાચલ પ્રદેશના સુંદરનગર, ભુંતર, મંડી, રેકોંગ પીઓ, નારકંડા અને સેઉબાગનું લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે આવી ગયું છે અને પ્રથમ વખત માઈનસ પર પહોંચી ગયું છે. કુકુમસેરીમાં પારો માઈનસ 7.3 નોંધાયો છે.
લાહૌલના ઉપરના વિસ્તારોમાંથી નીકળતી નદીઓના કાંઠા પણ થીજી ગયા છે. તળાવો પર બરફ નજરે પડી રહ્યો છે.
મંગળવારે ઔલીમાં ભારે હિમવર્ષા થતા ઠંડી વધી છે.
જોકે,બર્ફીલા માહોલમાં પણ અહીંની હોટલોમાં ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટ માટે બુકિંગ વધી ગયું છે.
હાલમાં ઔલીમાં એક ફૂટ સુધી બરફ જમા થયો છે. ઉત્તરાખંડના નીચલા વિસ્તારોમાં ઠંડીનું કાતિલ મોજું ફરી વળ્યું છે.