ઈન્ડિયન પ્રીમિયર લીગની 2024 સીઝનમાં ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરશે.
ભારતીય કેપ્ટન રોહિત શર્માનું સ્થાન લેશે. મુંબઈ ઈન્ડિયને એક પ્રેસ રિલીઝ જાહેર કરીને આ જાણકારી આપી છે.
મુંબઈ ઈન્ડિયન્સના ગ્લોબલ હેડ ઑફ પર્ફોર્મન્સ માહેલા જયવર્દનેએ કહ્યું કે ભવિષ્ય માટે તૈયારી કરવાની દિશામાં આ એક મોટું પગલું છે. મુંબઈ ઈન્ડિયન્સ પાસે હંમેશા અસાધારણ નેતૃત્વ રહ્યું છે, સચિનથી લઈને હરભજન સિંહ સુધી અને રિકી પોન્ટિંગથી લઈને રોહિત શર્મા સુધી, જેમણે તાત્કાલિક સફળતામાં યોગદાન આપ્યું છે, ત્યારે ભવિષ્ય માટે ટીમને મજબૂત કરવા પર પણ નજર રાખી છે. આ વિચારધારાને અનુરૂપ, હાર્દિક પંડ્યા IPL 2024 સીઝન માટે મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની સંભાળશે.
મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલની સૌથી સફળ ટીમોમાંથી એક છે. ટીમે અત્યાર સુધીમાં 5 ટાઇટલ જીત્યા છે. સૌથી વધુ આઈપીએલ ટાઈટલ જીતવાની બાબતમાં આ ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સની બરાબર છે, ચેન્નાઈએ પણ 5 ટાઈટલ જીત્યા છે.
હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો 5મો રેગ્યુલર કેપ્ટન હશે. તેના પહેલા રોહિત શર્મા, રિકી પોન્ટિંગ, હરભજન સિંહ અને સચિન તેંડુલકર ટીમનું સુકાન સંભાળી ચૂક્યા છે.
આ તકે જયવર્દનેએ કહ્યું, “અમે રોહિત શર્માના અસાધારણ નેતૃત્વ માટે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. 2013થી મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકેનો તેમનો કાર્યકાળ ખૂબજ સફળ રહ્યો.
તેમના નેતૃત્વએ ટીમને અપ્રતિમ સફળતા જ નહીં અપાવી પરંતુ તેને આઈપીએલના ઈતિહાસના શ્રેષ્ઠ કેપ્ટનોમાંના એક તરીકે સ્થાન પણ અપાવ્યું છે.
તેમના માર્ગદર્શન હેઠળ, મુંબઈ અત્યાર સુધીની સૌથી સફળ અને મનપસંદ ટીમોમાંની એક બની શકી છે.
હવે નવા કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાનું સ્વાગત કરીએ છીએ અને તેઓને શુભેચ્છા પાઠવીએ છીએ