અમેરિકામાં જવાની ભારતીયોમાં જે રીતે છેલછા વધતી જઈ રહી છે તે ચોંકાવનારું છે અગાઉ જે રીતે માહોલ હતો તે હવે નથી રહયો તેમ છતાં ગેરકાયદેસર રીતે પણ અમેરિકા જવાની જે હોડ લાગી છે તે આશ્ચર્ય અને ચિંતાજનક છે.
મોટાભાગના લોકોનું માનવું છે કે ત્યાં કલાક ઉપર ડોલરમાં કમાણી થાય છે અને ટૂંકા ગાળામાં ભારતીય કરન્સીમાં મોટી રકમ બચાવી શકાય છે અહીં વિપુલ તકો છે જે મહેનત કરવાવાળા માટે ડોલરમાં અઢળક કમાણી છે આમ વિચારી મોટી સંખ્યામાં લોકો અમેરિકામાં જવા આતુર છે અને રસ્તો પછી ભલે તે હોય તેની પરવા કરતા નથી.

છેલ્લા પાંચ વર્ષમાં બે લાખથી વધુ ભારતીય ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પકડાયા છે જે આંકડો ખૂબ મોટો છે.
આ પૈકી સૌથી વધુ 96,917 કેસ 2022-23માં જ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.
અમેરિકી આંકડા રજૂ કરતા વિદેશ મંત્રાલય દ્વારા સંસદમાં આ માહિતી આપવામાં આવી છે.

રાજ્યકક્ષાના વિદેશપ્રધાન વી. મુરલીધરન દ્વારા અપાયેલી માહિતી મુજબ અમેરિકી સત્તાવાળાઓ દ્વારા 2018-19માં 8,027, 2019-20માં 1,227, 2020-21માં 30,662, 2021-22માં 63,927 અને 2022-23માં 96,917 ભારતીય ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ઝડપી લીધા હતા.
અમેરિકામાં 2018થી 2023 સુધી કુલ પાંચ વર્ષ દરમિયાન ભારતના કુલ 2,00,760 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ ઝડપાયા છે.

આ ડેટા યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનની વેબસાઈટ પર પ્રકાશિત ઇમિગ્રેશનના આંકડા આધારિત છે. આ ડેટા યુએસ નાણાકીય વર્ષ (ઓક્ટોબરથી સપ્ટેમ્બર) મુજબ છે. જોકે,અમેરિકી સરહદ પાર કરતી વખતે જીવ ગુમાવનારા ભારતીય નાગરિકોની સંખ્યાની વિગતો ક્યાંય ઉપલબ્ધ નથી.

બીજી તરફ આ બધું જોતા એવું લાગે કે કાયદેસર જવા માટે પ્રયાસ કરવો જોઈએ અને સરકાર દ્વારા પણ પ્રયાસો રહેતા હોય છે જેમાં વિદેશી રોજગાર માટે ભારતીય નાગરિકોની ભરતી ઇમિગ્રેશન એક્ટ, 1983 હેઠળ નિયંત્રિત થાય છે.
વિદેશ મંત્રાલયે લીગલ ઇમિગ્રેશનને પ્રોત્સાહન આપવા પ્રવાસી ભારતીય બીમા યોજના (PBBY) અને પ્રિ-ડિપાર્ચર ઓરિએન્ટેશન એન્ડ ટ્રેનિંગ (PDOT) સહિત અનેક પહેલ કરી છે, જેથી સુનિશ્ચિત થઇ શકે કે માઇગ્રન્ટ વર્કર્સ સુરક્ષિત રીતે માઇગ્રેટ થઇ શકે અને ગંતવ્ય દેશોમાં તેમની પાસે કામ કરવાની અને રહેવાની સારી સ્થિતિ હોય.
તદુપરાંત, વિદેશ મંત્રાલયે ઇમિગ્રન્ટ્સમાં જાગૃતિ વધારવા ‘ગો સેફ, ગો ટ્રેન્ડ’ અભિયાન શરૂ કર્યું હતું. ભારતે પોતાના ડેમોગ્રાફ્કિ ડિવિડન્ડનો ઉપયોગ કરવાના ઉદ્દેશ સાથે ફ્રાન્સ, બ્રિટન, જર્મની, ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા અને ઇટાલી સાથે સ્થળાંતર અને ગતિશીલતા ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ડેનમાર્ક, જાપાન, પોર્ટુગલ, મોરેશિયસ અને ઈઝરાયેલ સાથે પણ લેબર મોબિલિટી પાર્ટનરશિપ એગ્રીમેન્ટ્સ પર સહીસિક્કા કરાયા છે. મંત્રાલય રાજ્ય સરકારો અને સંબંધિત હિતધારકો સાથે સંકલન કરી રહ્યું છે જેથી સુરક્ષિત અને કાનૂની ઇમિગ્રેશન તથા વિદેશી રોજગારની તકોના લાભો વિશે માહિતી પ્રસારિત કરી શકાય.
આમ,વિદેશમાં જઈ ઓછા સમયમાં વધુ નાણાં કમાવાની વધેલી છેલછામાં ક્યારેક કોઈ એવું પગલું ન ભરવું જોઈએ કે જીવન જ બરબાદ થઈ જાય.